જમવા માટે વગાડવાનું બંધ કર્યું કહેતાં શખ્સો ઉશ્કેરાયા:ખારેડા ગામે જાનમાં વાજિંત્રો બંધ કરવા મુદ્દે બબાલ,યુવકના માથામાં છરી મારી
પાટણ તાલુકાના ખારેડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વાજિંત્રો વગાડવાનું બંધ કરવા મુદ્દે થયેલી બોલાચાલી હિંસક ઝપાઝપીમાં ફેરવાતાં યુવકને માથાના ભાગે છરીનો ઘા વાગ્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં ત્રણ શખ્સો સામે મારામારી, અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ખાડાણા નાં હિતેશજી પ્રધાનજી ઠાકોર પોતાના કુટુંબી કાકાના દીકરા ચેતનજી ઠાકોરની જાનમાં ખોડાણાથી ખારેડા ગામે ગયો હતો.બપોરે આશરે 12:00 જાનમાં આવેલા વાજિંત્રો વગાડનારાઓ જમવા જવાના હોવાથી વગાડવાનું બંધ કર્યું હતું. આ દરમિયાન ખારેડા ગામના ત્રણ શખ્સોએ વાજિંત્રો કેમ બંધ કરાયા તે મુદ્દે ઉશ્કેરાઈ હિતેશજી સાથે બોલાચાલી શરૂ કરી હતી.એક શખ્સે અપશબ્દો બોલતાં હિતેશજી ઠાકોર એ વિરોધ કર્યો હતો. ત્યારબાદ અન્ય બે શખ્સોએ પણ ઉપરાણું લઈ હિતેશજી ને ગડદાપાટુનો માર માર્યો હતો. તે વખતે એક આરોપીએ હાથમાં રહેલી છરીથી હિતેશજી ઠાકોર નાં માથાના ભાગે હુમલો કર્યો હતો.હોબાળો થતાં હિતેશજીના પરિવારજનો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવક ને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.બાદમાં સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં માથામાં દુખાવો વધતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વાગડોદ પોલીસ મથકે ખારેડાના ત્રણ શખ્સો સામે પ્રકાશજી પોપટજી ઠાકોર,અલ્પેશજી પોપટજી ઠાકોર સેણાજી બદાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Read Original Article →