કામગીરીને લઈ વિદ્યાર્થીઓસહિત રાહદારીઓને લાંબો ફેરો:તાત્કાલિક કાચો રસ્તો ખુલ્લો કરવા અને નાળાનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવા ઉગ્ર માંગ
પાટણ તાલુકાના રણુંજ ગામમાં તંત્રની નબળી આયોજન શક્તિના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી નાળા બાંધકામની કામગીરી ચાલી રહી છે, જેને પગલે સમગ્ર રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. પૂર્વ તૈયારી વિના શરૂ કરાયેલા આ કામના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પશુપાલકો અને દર્દીઓ સહિત સમગ્ર ગ્રામજનો બંધક જેવી સ્થિતિમાં મુકાયા છે. મુખ્ય માર્ગ બંધ થતાં લોકોને 2 થી 2.5 કિલોમીટર સુધીનો લાંબો ફેરો ખાવો પડી રહ્યો છે, જેનાથી સમય અને નાણાં બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. રણુંજ હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળાએ જતા વિદ્યાર્થીઓ, ડેરીમાં સમયસર દૂધ ભરાવવા જતા પશુપાલકો અને બીમાર દર્દીઓને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે, જે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે.રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી મુસાફરો અને વાહનચાલકો અટવાયા છે. સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે ચોમાસાની ઋતુ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવાની છે, ત્યારે જો આ ખોદાયેલો રસ્તો આમ જ રહેશે તો કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાશે અને રસ્તો સંપૂર્ણપણે અવાહક બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી મુખ્ય માર્ગ પૂર્વવત થઈ શકે છે.ગ્રામજનોએ સંબંધિત તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો આ જનસમસ્યાનો તાત્કાલિક નિકાલ કરીને વૈકલ્પિક રસ્તો આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા તંત્ર સામે ઉગ્ર આંદોલન કરાશે .
Read Original Article →