પાટણમાં RTEના પ્રથમ રાઉન્ડમાં 64 બેઠકો ખાલી રહી:પ્રવેશની મુદ્દત 15 મે સુધી લંબાવાઈ; 76 બેઠકો પર બીજો રાઉન્ડ

Gujarat5/14/2026, 6:28:26 AM
પાટણમાં RTEના પ્રથમ રાઉન્ડમાં 64 બેઠકો ખાલી રહી:પ્રવેશની મુદ્દત 15 મે સુધી લંબાવાઈ; 76 બેઠકો પર બીજો રાઉન્ડ
RTE અંતર્ગત પાટણ જિલ્લામાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ફાળવાયેલી 883 બેઠકોમાંથી 64 બેઠકો ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાની મુદ્દત 15 મે સુધી લંબાવવામાં આવી છે. હાલ કુલ 76 બેઠકો ખાલી છે, જેના પર બીજા રાઉન્ડમાં પ્રવેશ અપાશે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પાટણ જિલ્લાની 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકોના ધોરણે કુલ 895 બેઠકો પ્રવેશપાત્ર હતી. પ્રથમ રાઉન્ડમાં 883 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી 12 મે સુધીમાં 819 બાળકોના પ્રવેશ કન્ફર્મ થયા હતા. આમ, 64 બેઠકો પર કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ માટે શાળાની પસંદગી કરી ન હતી. આ પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લામાં કુલ 2990 ઓનલાઈન અરજીઓ આવી હતી. ચકાસણી બાદ 830 અરજીઓ રદ થઈ હતી અને 99 અરજીઓ નામંજૂર થઈ હતી, જ્યારે કુલ 2061 અરજીઓ માન્ય રહી હતી. આ માન્ય અરજીઓ પૈકી પ્રથમ રાઉન્ડમાં 895 કુલ બેઠકો સામે 883 બેઠકો પર પ્રવેશ ફાળવણી કરાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં ફાળવાયેલી 883 બેઠકો સામે 819 પ્રવેશ કન્ફર્મ થયા હતા, જેથી 64 બેઠકો ખાલી રહી હતી. આ ઉપરાંત અન્ય 12 બેઠકો મળીને હાલ કુલ 76 બેઠકો ખાલી છે. 15 મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ થાય તે સિવાયની બાકીની તમામ ખાલી બેઠકો પર 15 મે પછી બીજો રાઉન્ડ બહાર પડાશે. આ 76 જેટલી ખાલી બેઠકોમાં મેરિટના ધોરણે શાળાઓની ફાળવણી કરાશે, તેમ જિલ્લા શિક્ષણ સમિતિના RTE સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Read Original Article →