પાટણમાં પર્યાવરણ દિને 'ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ' શરૂ થશે:આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ 1008 દેશી વૃક્ષો વાવશે

Gujarat6/4/2026, 1:44:14 PM
પાટણમાં પર્યાવરણ દિને 'ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ' શરૂ થશે:આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ 1008 દેશી વૃક્ષો વાવશે
પાટણ નજીક આવેલા નોરતાના મહાકાળી પીપળવન ખાતે 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો છે. આ અભિયાન અંતર્ગત 1008 દેશી કુળના વૃક્ષો વાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઈમેટ ચેન્જ સામે વૈશ્વિક સ્તરે જનઆંદોલન ઊભું કરીને સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરવાનો છે. 'ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ' અભિયાનનો મૂળ વિચાર સમગ્ર વિશ્વને એક પરિવાર ગણીને પ્રકૃતિનું જતન કરવાનો છે. પૃથ્વી પર વસતા તમામ મનુષ્યો, પશુ-પક્ષીઓ અને જીવસૃષ્ટિ એક જ વૈશ્વિક પરિવારના સભ્યો છે. આ ભાવના સાથે, દરેક પરિવાર પોતાના સભ્યોના નામે વૃક્ષો વાવે અને તેનો ઉછેર કરે તે માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ સ્થાનિક સ્તરેથી શરૂ થઈને વૈશ્વિક જનઆંદોલન બને તેવા હેતુથી તૈયાર કરાયો છે. તેમાં પરિવારના વરિષ્ઠ સભ્યોથી લઈને બાળકો સુધીના તમામના નામે પરંપરાગત દેશી વૃક્ષો રોપવામાં આવશે. આ અભિયાન માટે "એક પરિવારનું વન, સમગ્ર વિશ્વનું રક્ષણ" નારા સાથે કામગીરી કરવામાં આવશે. અભિયાનને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ખાસ કાર્યમંત્ર અને સૂત્રો નક્કી કરાયા છે. અભિયાનનું નામ 'ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ', સૂત્ર 'એક નામ – એક વૃક્ષ' અને કાર્યમંત્ર 'એક પરિવાર – એક વન' રાખવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બાળકના જન્મ સમયે, લગ્ન પ્રસંગે, માતા-પિતાના નામે, પૂર્વજોની સ્મૃતિમાં તેમજ જન્મદિવસ જેવા વિવિધ સામાજિક અને વ્યક્તિગત પ્રસંગોએ એક-એક વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી છે. પ્રત્યેક નામ સાથે એક જીવંત વૃક્ષને જોડીને ભવિષ્યમાં તેને પરિવારની યાદો અને વારસાના પ્રતીક તરીકે વિકસાવવાનું આયોજન છે.
Read Original Article →