પાટણમાં નારી શક્તિનો ઉત્સવ:મહિલા સ્વ-રોજગાર મેળાનો ઉમંગભેર પ્રારંભ, કાજલ ઓઝા વૈદ્યએ સ્ત્રીના આંતરિક સૌંદર્ય અને વૈચારિક ક્રાંતિ પર મૂક્યો ભાર
પાટણના હાંસાપુર સ્થિત ખોડાભા હોલ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા બે દિવસીય 'મહિલા સ્વ-રોજગાર મેળો' અને 'એક્ઝિબિશન કમ સેલ'નો પ્રારંભ થયો છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મેળામાં વિખ્યાત લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું હતું કે, દીકરા-દીકરીઓને સારા સંસ્કારો આપો, વહુઓને મહત્વ આપો અને યુવા પેઢીને સંતુષ્ટ કરો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આધુનિકતા સારા માનસથી આવે છે, બાહ્ય દેખાવથી નહીં. પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નિરમા લિમિટેડના ચેરમેન કરશનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શાન્તાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં પ્રદર્શન અને વેચાણ 13 મેના રોજ સાંજે 4:00 વાગ્યાથી શરૂ થઈ 14 મે સુધી ચાલશે. મેળામાં 53 ગામની બહેનો સહભાગી થઈ આ મેળામાં સુરત, વાપી અને અમદાવાદ જેવા શહેરોમાં વ્યવસાય કરતી સમાજની મહિલાઓ સહિત કુલ 53 ગામની બહેનો સહભાગી થઈ હતી. કાર્યક્રમમાં કુલ 60 સ્ટોલ્સનું બુકિંગ કરવામાં આવ્યું છે, જ્યાં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરાશે. સ્ટોલના મુખ્ય આકર્ષણોમાં હેન્ડમેડ અને ઈમીટેશન જ્વેલરી, તૈયાર ડ્રેસ, ડ્રેસ મટીરીયલ્સ, વિવિધ પ્રકારની સાડીઓ, કેનવાસ પેઇન્ટિંગ્સ, સ્ટ્રીંગ આર્ટ, નેઇલ આર્ટ, કોસ્મેટિક આઈટમો, સાબુ અને નાળિયેરમાંથી બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખાણી-પીણીના સ્ટોલ પર હોમમેડ ચોકલેટ, કુકીઝ અને અન્ય નાસ્તાઓ પણ ઉપલબ્ધ છે. 1000થી વધુ મહિલાઓ આ મેળાની મુલાકાત લેશે કન્વીનર અનિતા પટેલ, પુષ્પા પટેલ અને ગાયત્રી પટેલના જણાવ્યા મુજબ, આ આયોજનનો મુખ્ય હેતુ ઘરમાં રહીને નાના-મોટા વ્યવસાય કરતી મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમની સફળતા માટે 35 બહેનો અને 50 ભાઈઓની ટીમ કાર્યરત છે. આશરે 1000 થી વધુ મહિલાઓ આ મેળાની મુલાકાત લેશે તેવી શક્યતા છે, જેના દ્વારા સમાજ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યો છે. કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ત્રિવેદી અને આશ્લેષા પરીખ કર્યું હતું.
Read Original Article →