રાણકી વાવની હિન્દી માહિતીમાં દોષ, MLAએ ASIને પત્ર લખ્યો:વર્લ્ડ હેરિટેજ સાઇટ પર હિન્દીમાં સોલંકી વંશની વંશાવલિ ખોટી દર્શાવાઈ, વંશજ ભીમદેવ પ્રથમને મૂળરાજના પુત્ર દર્શાવાયા

Gujarat6/10/2026, 9:12:42 AM
રાણકી વાવની હિન્દી માહિતીમાં દોષ, MLAએ ASIને પત્ર લખ્યો:વર્લ્ડ હેરિટેજ સાઇટ પર હિન્દીમાં સોલંકી વંશની વંશાવલિ ખોટી દર્શાવાઈ, વંશજ ભીમદેવ પ્રથમને મૂળરાજના પુત્ર દર્શાવાયા
પાટણની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણકી વાવ'ના પ્રવેશદ્વાર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા લગાવવામાં આવેલી હિન્દી માહિતી તકતીમાં ગંભીર ઐતિહાસિક ભૂલ સામે આવી છે. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આ ભૂલ તાકીદે સુધારવા માટે ASIના ડાયરેક્ટર જનરલ (નવી દિલ્હી)ને લેખિત રજૂઆત કરી છે. આ પત્રની નકલ સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ, ASI, વડોદરા સર્કલને પણ મોકલવામાં આવી છે. હિન્દીના લખાણમાં ગોટાળા હિન્દી ભાષાની તકતીમાં ઉલ્લેખ છે કે, વાવનું નિર્માણ કરાવનાર રાજા ભીમદેવ પ્રથમ સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજ પ્રથમના પુત્ર હતા. જોકે, વાસ્તવિક ઇતિહાસ મુજબ, રાજા ભીમદેવ પ્રથમ મૂળરાજના પુત્ર નહીં, પરંતુ તેમના વંશજ હતા. સોલંકી વંશની સાચી વંશાવલિ અનુસાર, સ્થાપક મૂળરાજ પ્રથમ પછી ચામુંડરાજ, ત્યારબાદ વલ્લભરાજ/દુર્લભરાજ અને રાજગાદી પર ન બેઠેલા નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ (રાણી ઉદયમતીના પતિ) આવે છે. આ વંશાવલિ સ્પષ્ટ કરે છે કે ભીમદેવ પ્રથમ મૂળરાજના સીધા પુત્ર નહોતા. ગુજરાતી અને અંગ્રેજીમાં ભીમદેવને વંશજ દર્શાવાયા આશ્ચર્યજનક રીતે, પ્રવેશદ્વાર પર લાગેલી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની માહિતી તકતીમાં આ ઇતિહાસ સાચો લખાયો છે. તેમાં ભીમદેવ પ્રથમની ઓળખ મૂળરાજના 'વંશજ' તરીકે જ આપવામાં આવી છે. માત્ર હિન્દી ભાષાના લખાણમાં જ તેમને 'પુત્ર' દર્શાવવાની ગંભીર ચૂક થઈ છે. રાણકી વાવ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્થળ હોવાથી, આ ભૂલને કારણે દેશ-વિદેશના હજારો મુલાકાતીઓ ખોટી ઐતિહાસિક માહિતી મેળવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનમાનસમાં ખોટી સમજણ ફેલાવી રહી છે.
Read Original Article →