પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3નો વધારો થયો:ગુજરાતમાં ભાવ વધતા પાટણના પંપો પર 'બંધ'ના બોર્ડ લાગ્યા

Gujarat5/15/2026, 8:53:52 AM
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3નો વધારો થયો:ગુજરાતમાં ભાવ વધતા પાટણના પંપો પર 'બંધ'ના બોર્ડ લાગ્યા
ગુજરાત સહિત દેશભરમાં 14 મેની મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આ ભાવવધારાથી પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99 અને ડીઝલમાં પ્રતિ લિટર ₹3.09નો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ વધારા બાદ રાજ્યભરમાં ઇંધણના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. પેટ્રોલમાં ₹2.99ના વધારા સાથે નવો ભાવ ₹97.50 થયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09ના વધારા સાથે તેનો ભાવ ₹93.29 પર પહોંચી ગયો છે. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર મધરાત્રે 12 વાગ્યાથી અમલી બને છે. જોકે, આ વખતે રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરાયા હતા. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. ભાવ વધારાની જાહેરાત બાદ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ હતી. પાટણના કેટલાક પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ 'પંપ બંધ છે' તેવા બોર્ડ લગાવી દેવાયા હતા, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇંધણના ભાવમાં સીધો ₹3 જેટલો વધારો થવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને તેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડવાની શક્યતા છે. વહેલી સવારે પેટ્રોલ પુરાવવા આવેલા ગ્રાહકોએ આ ભાવ વધારા અંગે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી.
Read Original Article →