ABVP એ કુલપતિ પર નકલી નોટો ઉડાવી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફી વધારા સામે આંદોલન તેજ કરવાની ચીમકી
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 15% ના વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિ પર નકલી ૫૦૦ રૂપિયાની નોટો ઉડાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ ફીમાં 15% નો વધારો કરતો પરિપત્ર જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં ABVP ના કાર્યકરો યુનિવર્સિટી ખાતે એકત્રિત થયા હતા અને વહીવટી તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી હતી. વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી તંત્ર ખાનગી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને આર્થિક લાભ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ પર આ બોજ નાખી રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન, ABVP ના કાર્યકરો કુલપતિની ચેમ્બરમાં ધસી ગયા હતા અને તેમની ઉપર નકલી 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આ કૃત્ય દ્વારા તેમણે ભ્રષ્ટાચાર અને યુનિવર્સિટી મેનેજમેન્ટ સાથેની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ આંદોલન અંગે ABVP ના પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પરિષદ છેલ્લા ચાર દિવસથી કુલપતિ અને રજીસ્ટ્રારને આવેદનપત્રો આપીને રજૂઆત કરી રહી છે. તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટીમાં એડમિશનના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ અચાનક ફી વધારાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 11,000 જેટલા સત્તાવાર એડમિશન થઈ ચૂક્યા છે અને નવા એડમિશનની પ્રક્રિયા પણ શરૂ થવાની છે, ત્યારે આ પરિપત્રથી સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર મોટો આર્થિક બોજ પડશે. દેસાઈએ સીધો આક્ષેપ કર્યો કે મેનેજમેન્ટના માણસોને સાચવવા અને ખાનગી હિતોને પ્રોત્સાહન આપવા માટે જ આ પ્રકારનું તંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં પ્રતીક ધરણા અને યુનિવર્સિટીના મુખ્ય ગેટને તાળાબંધી જેવા કાર્યક્રમો આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે જો યુનિવર્સિટીનું વહીવટી તંત્ર અને બોર્ડ મેમ્બરો આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં અધિકારીઓની ગાડીઓ રોકીને રસ્તા જામ કરવામાં આવશે. ABVP એ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં આ ફી વધારો તાકીદે પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉગ્ર આંદોલન છેડવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી છે.
Read Original Article →