રાસાયણિક ખાતર છોડી કુદરતી ખાતર અપનાવવા હાકલ:પાટણના ચંદ્રુમાણામાં રાસાયણિક ખાતરના ઉપયોગ અંગે શિબિર

Gujarat6/5/2026, 1:54:32 PM
રાસાયણિક ખાતર છોડી કુદરતી ખાતર અપનાવવા હાકલ:પાટણના ચંદ્રુમાણામાં રાસાયણિક ખાતરના ઉપયોગ અંગે શિબિર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે એક તાલીમ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં તજજ્ઞોએ રાસાયણિક ખાતરથી જમીન અને પાક પર થતી પ્રતિકૂળ અસરો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ચંદ્રુમાણાના દૂધેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલી આ શિબિરમાં દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. ધર્મેશકુમાર અને પાલનપુરના દિનેશભાઈ ચૌધરી સહિતના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, છેલ્લા 25-30 વર્ષથી રાસાયણિક ખાતરના અતિવપરાશને કારણે ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે. કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો દર્શાવે છે કે રાસાયણિક ખાતર જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટાડી રહ્યું છે, જેના પરિણામે ખેતીનું રક્ષણ કરતા બેક્ટેરિયા નાશ પામી રહ્યા છે. તજજ્ઞોએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં ખેડૂતો એક હેક્ટર જમીનમાં વાપરવાના થતા ખાતરનો જથ્થો એક વીઘામાં નાખી રહ્યા છે, જેનાથી ખેતીવાડી પર ગંભીર અસર થઈ રહી છે. જિલ્લાના શંખેશ્વર વિસ્તારમાં જમીનમાં ક્ષાર ઉપર આવી ગયો છે. આવા સંજોગોમાં કાર્બનયુક્ત દેશી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ દેશી ખાતર, જેને જીવામૃત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘરે પણ બનાવી શકાય છે અને બજારમાં તૈયાર પણ ઉપલબ્ધ છે. ખેડૂતોએ ભવિષ્યની ખેતીને બચાવવા માટે તેના વપરાશ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ જૂની દેશી એટલે કે પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌ ખેડૂતોએ આ દિશામાં આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી શારદાબેન રાજપૂત, ગ્રામસેવક વિપુલભાઈ સોલંકી, આત્મા કચેરીના મનોજભાઈ પટેલ, કૃષિ સખી ધર્મિષ્ઠાબેન વ્યાસ અને પૂનમબેન પટેલ, પ્રાકૃતિક ખેતીના ક્લસ્ટર ઇન્ચાર્જ બ્રિજેશભાઈ વ્યાસ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભદ્રેશકુમાર વ્યાસે કર્યું હતું. ગામના અગ્રણીઓ પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, અમરતભાઈ દેસાઈ, ભરતભાઈ રાવલ, બચુભાઈ દવે, ભગાભાઈ વ્યાસ સહિત અન્ય ખેડૂતો પણ હાજર રહ્યા હતા. આજના દિવસે માનપુર ખાનપુર અને ભલગામ ગામે પણ યોજાઈ હતી.
Read Original Article →