પાટણમાં 22 વર્ષના યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી:જૂના ઘરે જઇ મોતને વહાલુ કર્યું, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
પાટણ શહેરના ધાંધલના છાપરા વિસ્તારમાં 22 વર્ષીય યુવાને પોતાના જૂના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, અનાવાડા રોડ પર આવેલ સાંઈ સપ્ત રેસીડેન્સીમાં રહેતા દિલીપજી રમેશજી ઠાકોરે જણાવ્યું કે તેમનો નાનો ભાઈ રાહુલજી રમેશજી ઠાકોર (ઉં.વ. 22) ધાંધલના છાપરા ખાતે આવેલા તેમના જૂના ઘરે હતો. ત્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓએ તાત્કાલિક રાહુલજીને નીચે ઉતારી સારવાર અર્થે ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મૃતક રાહુલજી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. યુવાને કયા સંજોગોમાં અને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. પોલીસે દિલીપજી રમેશજી ઠાકોરની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
Read Original Article →