પાટણ પાસે યુવકનું અપહરણ, છરી મારી ઇજા:આરોપીઓએ ભૂલથી બીજા યુવકને ઉતારી દીધો, પોલીસે ગુનો નોંધ્યો
પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયડ ગામ નજીક હાઈવે પર એક યુવકનું અપહરણ કરી તેને છરી મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. જોકે, અપહરણકર્તાઓને પોતાની ભૂલ સમજાતા તેમણે યુવકને અધવચ્ચે ઉતારી દીધો હતો. આ ઘટનામાં ભોગ બનનાર પરિવારે પોલીસ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પોલીસે સામેથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના 19 વર્ષીય અશ્વિનકુમાર વિનોદજી ઠાકોર 12 એપ્રિલ, 2026ના રોજ બપોરે તેમના પિતરાઈ ભાઈ સાથે વેગનર ગાડીમાં શિહોરીથી પાટણ જઈ રહ્યા હતા. વાયડ અને મેલુસણ ગામ વચ્ચે હાઈવે પર ભૂમિ એન્ટરપ્રાઈઝ નજીક એક સફેદ રંગની આઈ-20 ગાડીએ તેમની કારને આંતરી હતી. મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા શખ્સોએ અશ્વિનકુમારને છરી બતાવી બળજબરીથી પોતાની ગાડીમાં ખેંચી અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ ગાડીમાં અશ્વિનકુમારનો ફોટો પાડી અન્ય વ્યક્તિને મોકલ્યો હતો. તેમને જાણ થઈ કે તેમણે ખોટા યુવકનું અપહરણ કર્યું છે. પોતાની ભૂલ સમજાતા આરોપીઓએ અશ્વિનકુમારને માર માર્યો અને તેમના પેટના ડાબા ભાગે છરીનો ઘા ઝીંકી દૂધારામપુરા પાસે રસ્તામાં ઉતારી દીધો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સરસ્વતી પોલીસે ભોગ બનનાર યુવક અને તેના પરિવારની પૂછપરછ કરી હતી. જોકે, પરિવારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ધોળે દિવસે હાઈવે પર અપહરણ અને હુમલા જેવો ગંભીર ગુનો બન્યો હોવાથી પોલીસે જાહેર હિતમાં પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 140(3), 118(1), 115(2), 126(2), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →