NEETનું પેપર લીક થવા મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:કાર્યકરોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો, પોલીસે અટકાયત કરી
NEET પરીક્ષાનું પેપર લીક થવા અને પરીક્ષા રદ થવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે પાટણમાં ઉગ્ર દેખાવો કરાયા હતા. પેપર લીક મામલે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવા પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ મેદાને આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ટીબી ત્રણ રસ્તા ખાતે એકઠા થયા હતા. તેમણે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. અચાનક થયેલા આ ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ચક્કાજામ અને હંગામાની સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક હળવો કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પાટણ જિલ્લામાં, ખાસ કરીને વિદ્યાર્થી આલમમાં, સરકારની નીતિઓ સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
Read Original Article →