પાટણમાં મહિલા સશક્તિકરણ સેમિનાર યોજાયો:આત્મનિર્ભરતા અને ગ્રાહક સુરક્ષા પર માર્ગદર્શન અપાયું
ભગિની સમાજ, જાયન્ટ્સ પાટણ અને જાગૃત ગ્રાહક મંડળના સંયુક્ત ઉપક્રમે બુધવારે પાટણમાં મહિલા સશક્તિકરણ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ગ્રાહક છેતરપિંડીથી બચવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનારમાં ભગિની સમાજ અને જાયન્ટ્સ પાટણ દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક એક માસના શિવણ વર્ગની 30 તાલીમાર્થી બહેનોને જાયન્ટ્સ પાટણ તરફથી દુપટ્ટા સાથે ડ્રેસ મટિરિયલ આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને આ મટિરિયલમાંથી પોતાના શીખેલા શિવણકામ દ્વારા ડ્રેસ બનાવી સમાપન દિવસે પહેરવા અપીલ કરાઈ હતી. ભગિની સમાજના મંત્રી ડો. લીલાબેન સ્વામીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વર્તમાન સમયમાં શિવણકામનું મહત્વ સમજાવી મહિલાઓ કઈ રીતે આત્મનિર્ભર બની શકે તે અંગે સમજૂતી આપી હતી. જાગૃત ગ્રાહક મંડળના ડો. રોનક મોદીએ બજારમાં થતી ગ્રાહકો સાથેની છેતરપિંડીથી બચવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જરૂર જણાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે લંડન નિવાસી ઉષાબેન મહેશભાઈ જાદવ, જાયન્ટ્સ પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, નટવરલાલ દરજી, ભગિની સમાજના પ્રમુખ વાલીબેન પટેલ, મેનેજિંગ કમિટીના આમંત્રિત સભ્ય મનોજ પટેલ, એડવોકેટ ધારાબેન મજમુદાર સહિતના મહાનુભાવો અને ભગિની સમાજ તેમજ જાયન્ટ્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું સંચાલન ભગિની સમાજના મનિષાબેન ઠક્કરે કર્યું હતું, જ્યારે આભારવિધિ હેમાબેન મજમુદારે કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Read Original Article →