પાટણમાં 55 વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલાનું અપહરણ બાદ દુષ્કર્મ:આરોપી બાઈક પર વિસનગર લઈ ગયો અને બે વાર દુષ્કર્મ આચર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણ શહેરમાં એક 55 વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારવાનો બનાવ સામે આવ્યો છે. ગુલામઅલી બરકતઅલી સૈયાદ નામના આરોપીએ મહિલાને બાઈક પર વિસનગર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યા હતા. આ મામલે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ મુજબ, ભોગ બનનાર મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે અને તેમની સારવાર ધારપુર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ગત 14 મે, 2026ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે મહિલા મહોલ્લાના રોડ પર ઝાડુ લેવા ગયા હતા, પરંતુ તેઓ પરત ફર્યા નહોતા. પરિવારે શોધખોળ કર્યા બાદ તેમના મોટા ભાઈએ પોલીસમાં ગુમ થયા અંગેની જાણ કરી હતી. બે દિવસ બાદ, 16 મે, 2026ના રોજ રાત્રે આશરે 00:30 વાગ્યે મહિલા વિસનગર ખાતેથી પરત મળી આવી હતી. મહિલાએ પરિવારને તૂટક તૂટક ભાષામાં જણાવ્યું હતું કે, તે ઝાડુ લેવા ગઈ હતી ત્યારે હજામની દુકાન પાસે એક શખ્સ બાઈક લઈને આવ્યો હતો અને તેને ઝાડુ લેવાનું કહી પોતાની સાથે બેસાડી ગયો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, રસ્તામાં બાઈક બગડી જતાં આરોપી તેને રિક્ષામાં બેસાડી વિસનગર લઈ ગયો હતો. ત્યાં રાત્રિના સમયે આરોપીએ મહિલાના કપડાં ઉતારી બે વખત તેની સાથે ખરાબ કામ કર્યું હતું. બીજા દિવસે લોકો એકઠા થઈ જતાં મહિલાને પોલીસ પાસે મોકલી આપવામાં આવી હતી. આ ઘટના અંગે પરિવારે તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમથી જાણવા મળ્યું કે, એક્ટિવા ચાલક આરોપી ગુલામઅલી બરકતઅલી સૈયાદ (રહે. પાટણ) મહિલાને બેસાડીને જતો હતો. વિસનગર ગયેલા સંબંધીઓએ પણ આરોપી ગુલામઅલી મહિલાની સાથે જ હોવાની પુષ્ટિ કરી હતી. આખરે, પરિવારે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 137(2), 64(2)(i), 64(2)(k) અને 64(2)(m) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →