પાટણમાં સોનીની દુકાનમાંથી 40 હજારની ચોરી:ત્રણ મહિલાઓ ગ્રાહક બની સોનાની કડીઓ લઈ ફરાર, ડિઝાઇન પસંદ નથી કહીને નીકળી ગઈ

Gujarat5/14/2026, 9:37:18 AM
પાટણમાં સોનીની દુકાનમાંથી 40 હજારની ચોરી:ત્રણ મહિલાઓ ગ્રાહક બની સોનાની કડીઓ લઈ ફરાર, ડિઝાઇન પસંદ નથી કહીને નીકળી ગઈ
પાટણ શહેરના બજાર વિસ્તારમાં આવેલી દેવીકા ગોલ્ડ પેલેસ નામની સોના-ચાંદીની દુકાનમાંથી રૂ. 40,000ની કિંમતની સોનાની બે જોડ કડીઓની ચોરી થઈ છે. ત્રણ અજાણી મહિલાઓએ આ ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉત્સવ નગર સોસાયટીમાં રહેતા અને દેવીકા ગોલ્ડ પેલેસના માલિક ચિરાગ સોનીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, ગત 15 એપ્રિલ, 2026ના રોજ સાંજે તેઓ દુકાને હાજર હતા ત્યારે ત્રણ અજાણી મહિલાઓ દાગીના ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશી હતી. આ મહિલાઓએ લગભગ અડધો કલાક સુધી દુકાનમાં વિવિધ દાગીના જોયા હતા. જોકે, તેમને કોઈ ડિઝાઇન પસંદ ન હોવાનું કહીને તેઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. દુકાન બંધ કરતી વખતે સ્ટોકની ગણતરી કરતાં સોનાની બે જોડ કડીઓ (કુલ ચાર નંગ) ઓછી જણાઈ હતી. આ કડીઓનું વજન આશરે 3 ગ્રામ અને તેની અંદાજિત કિંમત રૂ. 40,000 છે. દુકાનદારે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં સ્પષ્ટ દેખાયું હતું કે, દાગીના જોતી વખતે તેમાંથી બે મહિલાઓએ નજર ચૂકવીને સોનાની કડીઓ પોતાના કપડામાં છુપાવી દીધી હતી. વેપારીએ પોતાની રીતે તપાસ કર્યા બાદ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાટણ પોલીસે અજાણી મહિલાઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 329(4), 305(a) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેશભાઈ ત્રિભોવનદાસ બ્રહ્મભટ્ટને સોંપી છે.
Read Original Article →