પાટણમાં AC બ્લાસ્ટ બાદ મહિલા પોલીસકર્મી જીવતાં ભૂંજાયા:ફ્લેટના રૂમ શોર્ટ સર્કિટથી આગ ફેલાઈ, લોકલ IBના હેડ કોન્સ્ટેબલ સુરેખા ચૌધરી સૂતા હતા
પાટણ શહેરના પદ્મનાથ ચોકડી નજીક આવેલા ગાયત્રી ફ્લેટમાં એક દુર્ઘટના બની હતી. સમયે એર કન્ડિશનર (એસી)માં અચાનક ભયાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ આગની ચપેટમાં આવી જવાથી ઘરમાં એકલા સૂતેલા મહિલા પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલા પાટણ જિલ્લા પોલીસના એલઆઈબી (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. જ્યારે ફોરેન્સિક પીએમ માટે મહિલાકર્મીની લાશને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. શોર્ટ સર્કિટ બાદ આગ વિકરાળ બની
મળતી માહિતી મુજબ, ગાયત્રી ફ્લેટમાં રહેતા અને એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતા સુરેખાબેન ચૌધરી બપોરના સમયે પોતાના ઘરમાં એકલા સૂઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ચાલુ એસીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ શોર્ટ સર્કિટના કારણે આખા રૂમ સહિત ઘરમાં ભયંકર આગ લાગી ગઈ હતી. રૂમમાં સૂતેલા મહિલા પોલીસકર્મીને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા હતા. આગ એટલી ગંભીર હતી કે સુરેખાબેન ચૌધરીનું શરીર સંપૂર્ણપણે બળી ગયું હતું. તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ
ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે રૂમમાંથી મહિલા પોલીસકર્મીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પહેલા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા વિગતવાર પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા સવારે હાથ ધરવામાં આવશે. FSLની મદદથી તપાસ
એસીમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો, ગેસ લીકેજના કારણે દુર્ઘટના સર્જાઈ કે પછી હાઈ વોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થઈ, તે તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. એસીમાં આગ લાગવાનું ચોક્કસ ટેક્નિકલ કારણ શોધવા માટે એફએસએલ સહિતની નિષ્ણાત ટીમોની મદદ લેવાઈ રહી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →