પાટણમાં પત્નીને ત્રાસ આપી કાઢી મુકાઈ:પતિ સહિત સાસરિયાના આઠ સભ્યો સામે ફરિયાદ નોંધાઈ

Gujarat6/5/2026, 10:29:41 AM
પાટણમાં પત્નીને ત્રાસ આપી કાઢી મુકાઈ:પતિ સહિત સાસરિયાના આઠ સભ્યો સામે ફરિયાદ નોંધાઈ
પાટણ જિલ્લાના કોટાવડ ગામે એક પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાએ પતિ સહિત સાસરી પક્ષના આઠ સભ્યો વિરુદ્ધ પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, પાટણ તાલુકાના ઓઢવા ગામે રહેતી 33 વર્ષીય ભારતીબેન ચમારના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં કોટાવડ ગામના ભરતભાઈ મેઠાભાઈ ચમાર સાથે સાટા-પદ્ધતિથી થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રો છે. શરૂઆતમાં તેમનો સંસાર સારો ચાલ્યો હતો, પરંતુ બાદમાં પતિ પોતાની માતા અને નણંદોનું ઉપરાણું લઈને ઘરકામ અને નાની બાબતોમાં ભારતીબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા. ગત 18 મે, 2026 ના રોજ પરિણીતાના ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ નણંદે ફોન પર ભારતીબેનને બિભત્સ ગાળો આપી હતી. ત્યારબાદ કોટાવડ ખાતે સામાજિક સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સાસરિયાઓ માન્યા નહીં. આખરે, તમામ સાસરિયાઓએ ભેગા મળીને ભારતીબેનને મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકી હતી. આ મામલે અગાઉ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ સામાજિક સ્તરે કોઈ સમાધાન થઈ શક્યું ન હતું. આખરે, ત્રાસ અસહ્ય બનતા પરિણીતાએ પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ ભરતભાઈ , સાસુ જ્યોતીબેન, નણંદ ચંદ્રિકાબેન પરમાર, લલીતાબેન પરમાર, આશાબેન , શાન્તાબેન પરમાર, સવિતાબેન પરમાર અને નણંદોઈ કાન્તીભાઈ વાલાભાઈ પરમાર વિરુદ્ધ બી.એન.એસ કલમ 85, 296(બી), 115(૨) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મધુબેન વાઘેલાને સોંપી છે.
Read Original Article →