પાટણમાં વાતાવરણ પલટાયું, ધૂળની ડમરીઓ સાથે તેજ પવન.:હવામાન વિભાગની 3 દિવસ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા

Gujarat5/28/2026, 1:09:57 PM
પાટણમાં વાતાવરણ પલટાયું, ધૂળની ડમરીઓ સાથે તેજ પવન.:હવામાન વિભાગની 3 દિવસ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા
પાટણ જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે આકાશ વાદળછાયું બન્યું હતું. આ બદલાવને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી પાટણ જિલ્લામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, આજે બપોર બાદ પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પવનની તીવ્ર ગતિને કારણે કેટલાક માર્ગો અને ખુલ્લા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવીનતમ આગાહી મુજબ, પાટણ જિલ્લામાં આગામી 30 મે, 31 મે અને 1 જૂનના રોજ વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવેલા આ અણધાર્યા બદલાવ અને આગામી ત્રણ દિવસની વરસાદની આગાહીને કારણે પાટણ જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. હાલ ઉનાળુ પાકની કાપણી અને સંગ્રહની કામગીરી ચાલી રહી છે. જો આ સમયે કમોસમી વરસાદ પડે તો ખુલ્લામાં રાખેલો પાક પલળી જવાની અને તેની ગુણવત્તા બગડવાની શક્યતા છે. આથી, ખેડૂતો હાલ પોતાના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
Read Original Article →