પાટણની સિદ્ધહેમ સોસાયટીમાં પીવાનું પાણી બન્યું 'ઝેર':લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 10,000થી વધુ લોકોના સ્વાસ્થ્ય પર તોળાતું જોખમ
પાટણની સિદ્ધહેમ સોસાયટીના ટ્યુબવેલના પાણીમાં ફ્લોરાઈડ, ક્લોરાઈડ અને ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ (TDS)નું પ્રમાણ નિર્ધારિત માપદંડો કરતાં ઘણું વધારે હોવાનું સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ જોખમી સ્તરને કારણે સોસાયટી સાહિતના 10,000 થી વધુ રહીશોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે.
GWSSBની લેબોરેટરીના વોટર ટેસ્ટ રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) ની પાટણ સ્થિત ડિસ્ટ્રિક્ટ લેબોરેટરી દ્વારા જારી કરાયેલા ટેસ્ટ રિપોર્ટ મુજબ, પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ 2.65 mg/L અને TDSનું પ્રમાણ 1562 mg/L નોંધાયું છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (IS-10500:2012) અનુસાર, પીવાના પાણીમાં ફ્લોરાઈડની સ્વીકાર્ય મર્યાદા 1 mg/L અને TDSની 500 mg/L છે. રિપોર્ટમાં પાણીની કંડક્ટિવિટી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2470 μS/cm અને ક્લોરાઈડનું પ્રમાણ 578 mg/L મળ્યું છે, જે સ્વીકાર્ય મર્યાદા 250 mg/L કરતાં ઘણું વધારે છે. આ ઉપરાંત, પાણીમાં ટોટલ આલ્કલીનિટી 424 mg/L નોંધાઈ છે, જે સ્વીકાર્ય મર્યાદા 200 mg/L કરતાં વધુ છે. અન્ય પેરામીટર્સમાં, સલ્ફેટનું પ્રમાણ 89.90 mg/L, ટોટલ હાર્ડનેસ 148 mg/L, કેલ્શિયમ 28 mg/L, મેગ્નેશિયમ 19 mg/L અને pH લેવલ 7.35 નોંધાયું છે. પાટણ GWSSB ના પબ્લિક હેલ્થ સેનિટરી સબ ડિવિઝનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા 30 મે, 2026ના રોજ સિદ્ધહેમ સોસાયટીના ટ્યુબવેલમાંથી પીવાના પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનું કેમિકલ ટેસ્ટિંગ 1 જૂન, 2026ના રોજ કરાયું હતું. સ્થાનિક રહીશોમાં પથરી અને ઢીંચણના રોગોનું જોખમ વધ્યું હોવાના આક્ષેપો
પાણીમાં રહેલા આ જોખમી પ્રમાણને કારણે સ્થાનિક રહીશોમાં પથરી અને ઢીંચણના રોગોનું જોખમ વધ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. પાટણના જાણીતા ડોકટર સેવંતીલાલ પટેલે જણાવ્યું હતું કે, 1500 mg/L થી વધુ TDS વાળું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી ઢીંચણ તથા પથરી જેવા રોગો થવાની શક્યતા રહે છે. તેમણે આવા કિસ્સાઓમાં આરો પ્લાન્ટ લગાવવાની સલાહ આપી હતી. બોર જૂનો હોવાનું અને પાણી બહુ નીચેથી આવતું હોવાથી TDS વધુ : વોટર વર્કસ શાખાના અધિકારી
નગરપાલિકા વોટર વર્કસ શાખાના અધિકારી ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પાણીમાં TDS વધુ આવવાનું કારણ બોર જૂનો હોવાનું અને પાણી બહુ નીચેથી આવતું હોવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, નગરપાલિકા દ્વારા મતરવાડી વિસ્તારના બોરનું પાણી આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા : ધારાસભ્ય કિરીટ પટેલ
આ ગંભીર પરિસ્થિતિ અંગે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે પાટણ નગરપાલિકાનું તંત્ર પીવાના પાણી, ગટર અને સાફ સફાઈ બાબતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે. પાટણ સિદ્ધહેમ નગર સોસાયટી ખાતે આવેલા બોરનું પાણી પીવા લાયક ન હોવાના અગાઉ પણ બે વાર રિપોર્ટ આવી ચૂક્યા છે. બે દિવસ પહેલા જ કરાવેલા રિપોર્ટમાં પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઈડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5%હોવું જોઈએ તેના બદલે 2.65%ફ્લોરાઈડ મળ્યું છે, જે પાણી પીવા લાયક ન હોવાનું દર્શાવે છે. આ દૂષિત પાણીના કારણે આ વિસ્તારના 10,000 થી વધુ લોકો પથરીથી માંડીને ઢીંચણના રોગોથી પીડાઈ રહ્યા છે. અગાઉ સંકલનની બેઠકમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે નગરપાલિકા દ્વારા આ બોરની જગ્યાએ ટૂંક સમયમાં નર્મદાનું પીવાનું પાણી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર મીડિયામાં વાહ વાહ મેળવવાની વાતો કરવાના બદલે આ ગંભીર બાબત પર યોગ્ય વિચારણા કરે તે જરૂરી છે.
બીજી તરફ, આ આખા મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ કોઈ અગત્યની મીટિંગ અર્થે ગાંધીનગર ગયા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને 10,000 થી વધુ નિર્દોષ નાગરિકોને ક્યારે શુદ્ધ પીવાનું પાણી નસીબ થાય છે.
Read Original Article →