ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો:ઉભરાતી ગટરો, બિસ્માર રસ્તાઓથી રહીશો ત્રાહિમામ્; ચૂંટણી બહિષ્કારની ચીમકી- સુવિધા આપો નહીંતર મત ભૂલી જજો

Gujarat4/9/2026, 4:50:31 AM
ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો:ઉભરાતી ગટરો, બિસ્માર રસ્તાઓથી રહીશો ત્રાહિમામ્; ચૂંટણી બહિષ્કારની ચીમકી- સુવિધા આપો નહીંતર મત ભૂલી જજો
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીનો જંગ 26 એપ્રિલે ખેલાવાનો છે, ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 3ની સ્થિતિ 'દીવા તળે અંધારું' જેવી જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. છીંડીયા દરવાજાથી લઈને પારેવા સર્કલ સુધીની ગંદકી અને સુરક્ષાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જન્માવ્યો છે. મુખ્ય સમસ્યાઓ: જેણે લોકોની ઊંઘ હરામ કરી વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો ધરખમ અભાવ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા કરાયેલા નિરીક્ષણમાં સુરક્ષા, રસ્તાની દુર્દશા, ગટર અને ગંદકીનો ત્રાસ તેમજ પાણીની અનિયમિતતાના મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે. છીંડીયા દરવાજા પાસે ખુલ્લેઆમ નશાખોરોનો જમાવડો જોવા મળે છે. ત્યાંથી દારૂની ખાલી બોટલો અને નશા માટે વપરાતાં ઈન્જેક્શન મળી આવતાં સ્થાનિક પરિવારોમાં ભયનો માહોલ છે. વેરાઈ ચકલાથી રોકડિયા ગેટ અને છીંડીયા દરવાજાથી હિંગળાચાચર સુધીના રસ્તાઓ એટલી હદે બિસ્માર છે કે, વાહનચાલકો કમરના દુ:ખાવાનો ભોગ બની રહ્યા છે. રહીશ અશોક મોદીના જણાવ્યા મુજબ, આખા શહેરમાં કામ થયા પણ આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. દ્વારિકા ગ્રીન અને દેવાંશી સોસાયટીમાં ગટરની સમસ્યા વણઉકેલાયેલી છે. બીનિતાબેન જણાવે છે કે, ગટરની દુર્ગંધને કારણે ઘરમાં રહેવું મુશ્કેલ છે અને બાળકો ગંદા પાણીમાં રમવા મજબૂર છે. વૃદ્ધ મહેન્દ્રભાઈ દોશીના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા રાત્રે 11 વાગ્યે પાણી આપવામાં આવે છે. અચોક્કસ સમયને કારણે લોકોની ઊંઘ બગડે છે અને પાણીનો બગાડ પણ થાય છે, છતાં વેરા ડબલ વસૂલવામાં આવે છે. ચૂંટણીનું ગણિત અને જનતાનો મિજાજ વોર્ડ નંબર 3માં કુલ 8,218 મતદાર (4,224 પુરુષ અને 3,994 મહિલા) છે. આ વિસ્તારમાં મોદી, પટેલ, બ્રાહ્મણ, પ્રજાપતિ, દેસાઈ અને અનુસૂચિત જાતિના મતદારોનું પ્રભુત્વ છે. નેતાઓને સીધી ચેતવણી આપતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ગંદકી અને રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા કોઈ આવતું નથી, તો હવે નેતાઓને પણ અમારા વિસ્તારમાં પગ મૂકવા દઈશું નહીં. એક તરફ ભાજપમાંથી આ વોર્ડ માટે 20 જેટલા દાવેદારો ટિકિટની લાઈનમાં છે, તો બીજી તરફ જનતા પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહી છે. ગત ટર્મમાં ભાજપના ચારેય ઉમેદવાર (રમીલાબેન ભીલ, છાયાબેન રાવલ, હરેશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂત) વિજેતા બન્યા હતા, પરંતુ આ વખતે એન્ટી-ઇન્કમ્બન્સીનો મોટો ખતરો દેખાઈ રહ્યો છે. પારેવા સર્કલ પાસે ભરાતા ચોમાસાના પાણી, ખાલકશા પીર પાસેની લીકેજ પાઈપલાઈન અને રખડતા પશુઓના ત્રાસથી કંટાળેલી જનતા આ વખતે 'કામ નહીં તો મત નહીં'ના મૂડમાં છે. 26 એપ્રિલે થનારું મતદાન નક્કી કરશે કે, સત્તાધારી પક્ષ આ રોષને શાંત કરી શકશે કે જનતા પરિવર્તનનો માર્ગ પસંદ કરશે. ---- આ પણા વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્ પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
Read Original Article →