પાટણની 'સીટી લોક સ્કીમ'માં રાત્રે સઘન વાહન ચેકિંગ:બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી, 101 વાહનચાલકો પાસે ₹58 હજારનો દંડ વસૂલાયો

Gujarat6/9/2026, 4:54:22 AM
પાટણની 'સીટી લોક સ્કીમ'માં રાત્રે સઘન વાહન ચેકિંગ:બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી, 101 વાહનચાલકો પાસે ₹58 હજારનો દંડ વસૂલાયો
પાટણ શહેરમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા સુદ્રઢ બનાવવા પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 101 વાહનો સામે કાર્યવાહી કરીને ₹58,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા 'સીટી લોક સ્કીમ' અંતર્ગત આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં પાટણ એલ.સી.બી., એસ.ઓ.જી., જિલ્લા અને સિટી ટ્રાફિક, તેમજ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો જોડાઈ હતી. શહેરમાં 10 લોક પોઇન્ટ માર્ક કરવામાં આવ્યા હતા અને 5 રૂટ પર પેટ્રોલિંગ ટીમો પણ તહેનાત કરાઈ હતી. ગત રાત્રિએ હાથ ધરાયેલા આ ચેકિંગમાં શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રતિબંધિત બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો, નિયમ વિરુદ્ધની એલ.ઈ.ડી. લાઈટો, ઓવરલોડ અને ઓવરસ્પીડ દોડતા વાહનોને નિશાન બનાવી દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. પોલીસના સત્તાવાર આંકડા મુજબ, આ ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ લગાવેલા 51 વાહનો, નંબર પ્લેટ વગર ફરતા 26 વાહનો અને ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરનારા 24 વાહનો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. સ્થળ પર જ કુલ ₹58,000નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
Read Original Article →