પાટણ યુનિવર્સિટી લાયબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓનું કેન્દ્ર:રોજ 300થી વધુ ઉમેદવારો મફત વાંચનનો લાભ લે છે
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શિવાભાઈ ઉમેદભાઈપટેલ લાયબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ લાયબ્રેરીમાં દરરોજ 300થી વધુ વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે, જ્યાં હાલમાં 1300 જેટલા સભ્યો નોંધાયેલા છે. આ તમામ ઉમેદવારો કોઈ પણ શુલ્ક વિના મફત વાંચનનો લાભ મેળવી રહ્યા છે. આ લાયબ્રેરી કંડક્ટર, ડ્રાઈવર, પોલીસ અને LRD સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી છે. ડ્રાઈવરની 4599 જગ્યાઓ માટે 6 જૂન, 2026 થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જે 7જુલાઈ, 2026 સુધી ચાલશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી ભરતી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને દરરોજ 300 થી વધુ ભાઈઓ અને બહેનો આ લાયબ્રેરીનો ઉપયોગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં લાંબા સમય સુધી અભ્યાસ કરી શકે તે માટે લાયબ્રેરીના સમયપત્રકમાં વિશેષ અનુકૂળતા રાખવામાં આવી છે. બહેનો માટે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીનો સમય છે, જ્યારે ભાઈઓ માટે સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી વાંચનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. લાયબ્રેરીની કુલ બેઠક ક્ષમતા 900ની છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ વ્યવસ્થા છે. બહેનો માટે ખાસ બે હોલની વ્યવસ્થા છે, જેમાં 200 લોકો એકસાથે બેસી શકે છે. આ સુવિધાઓ સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઘણી મદદરૂપ થાય છે. લાયબ્રેરી ના વડાં ડો. રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 1300 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. 900 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા છે. ગ્રેજ્યુએશન પછીના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા, પ્રક્રિયા અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં અહીંથી ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામીને આગળ વધે છે.
Read Original Article →