પાટણ યુનિવર્સિટીમાં 10 વર્ષે CAS ઇન્ટરવ્યૂ યોજાયા:કુલપતિની પહેલથી 7 અધ્યાપકને પ્રમોશન, લાંબા સમયથી અટકેલી પ્રક્રિયા પૂર્ણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં છેલ્લા 10 વર્ષથી અટકેલી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) અંતર્ગત પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્તમાન કુલપતિ પ્રોફેસર કે.સી. પોરીયા અને રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈના નેતૃત્વ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરવ્યૂમાં કુલ 7 અધ્યાપકોને બઢતી આપવામાં આવી છે. જેમાં 5 એસોસિયેટ પ્રોફેસરોને પ્રોફેસર તરીકે અને અન્ય 2 પ્રોફેસરોને આસિસ્ટન્ટ પ્રોફેસરના ગ્રેડમાં લેવલ વધારીને પ્રમોશન અપાયું છે. છેલ્લા 8 થી 10 વર્ષથી અનેક અધ્યાપકોના પ્રોફેસર તરીકેના પ્રમોશન અટકી પડ્યા હતા. અગાઉના કુલપતિઓ દ્વારા CAS માટેના ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા ન હતા, જેના કારણે અધ્યાપકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે વર્તમાન કુલપતિ પ્રોફેસર કે.સી. પોરીયાએ શિક્ષણના હિતમાં મહત્વપૂર્ણ પહેલ કરીને CASના પેન્ડિંગ ઇન્ટરવ્યૂ માટે માર્ગ મોકળો કર્યો. આ પ્રક્રિયા માટે દિલ્હી, રાજસ્થાન તેમજ અન્ય યુનિવર્સિટીઓમાંથી નિષ્ણાતોની પેનલ બોલાવીને યુજીસીની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સંગીતા શર્માનું સિનિયર પ્રોફેસર તરીકે ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. જોકે, જુનિયરને પ્રમોશન અને સિનિયરને અન્યાયના મુદ્દે શિક્ષણ જગતના જાણકારોમાં વિવાદ સર્જાવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સિનિયર પ્રોફેસરનો આ કેસ સબજ્યુડીસ હોવાથી એડવોકેટની કાયદાકીય સલાહ લઈને જ પ્રક્રિયા યોજવામાં આવી છે. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેના બંધ કવર હાલમાં ખોલવામાં આવશે નહીં. આ સમગ્ર ઇન્ટરવ્યૂ પ્રક્રિયા આગામી સમયમાં યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) સમક્ષ મૂકીને પાસ કરવામાં આવશે. ત્યારબાદ આ દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે અને સરકારની અંતિમ મંજૂરી મળ્યા બાદ જ આગળની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવશે. વર્ષોથી પ્રમોશનની રાહ જોઈ રહેલા અધ્યાપકોમાં કુલપતિ પ્રોફેસર કિશોર પોરીયા અને રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ દ્વારા લેવાયેલા આ હિંમતભર્યા કદમથી આનંદની લાગણી છવાઈ છે.
Read Original Article →