પાટણ રેલવે અંડરબ્રીજની કામગીરીમાં બેદરકારીનો કોન્ટ્રાક્ટર સામે ગુનો:ખાલકશાપીર ફાટક પાસે સુરક્ષાના અભાવે ખાડામાં પડતા ઊંઝા STના મિકેનિકને ગંભીર ઈજા થઈ હતી

Gujarat4/7/2026, 10:58:39 AM
પાટણ રેલવે અંડરબ્રીજની કામગીરીમાં બેદરકારીનો કોન્ટ્રાક્ટર સામે ગુનો:ખાલકશાપીર ફાટક પાસે સુરક્ષાના અભાવે ખાડામાં પડતા ઊંઝા STના મિકેનિકને ગંભીર ઈજા થઈ હતી
પાટણના ખાલકશાપીર રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજના નિર્માણ કાર્યમાં બેદરકારીને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૈરવ નગર સોસાયટી, પાટણના રહેવાસી અને ઊંઝા એસટી ડેપોમાં મિકેનિકલ તરીકે ફરજ બજાવતા દિપનકુમાર પ્રવીણકુમાર રાઠોડ 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે ખાલકશાપીર રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા. અંડરબ્રીજનું કામ ચાલુ હોવા છતાં, કોન્ટ્રાકટર દ્વારા સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે અવરજવર માટે યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. રાત્રિના અંધકારમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે દિપનકુમાર બે અંડરગ્રાઉન્ડ બેઝ વચ્ચેની જગ્યામાં અચાનક પડી ગયા. આ અકસ્માતમાં દિપનકુમારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના મિત્ર અર્પિત દરજીએ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણની જનતા હોસ્પિટલ પહોંચાડ્યા. તબીબી તપાસમાં તેમને ડાબા હાથની ચાર આંગળીઓ, જડબા, ડાબા ખભા અને જમણા પગના થાપાના ભાગે ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. તેમને માથામાં સામાન્ય હેમરેજ પણ થયું હતું. જનતા હોસ્પિટલમાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના હાથ અને જડબાના ઓપરેશન કરવામાં આવ્યા. લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા પછી, દિપનકુમારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 125(b) હેઠળ બેદરકારીથી ઈજા પહોંચાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એએસઆઈ જીગરકુમાર નટવરલાલ જોષીને સોંપવામાં આવી છે.
Read Original Article →