પાટણ કાળકા પમ્પિંગ સ્ટેશન પર લાખો લીટર પાણીનો બગાડ:કર્મચારી ગેરહાજર રહેતા ટાંકી ઉભરાઈ

Gujarat5/27/2026, 2:01:06 AM
પાટણ કાળકા પમ્પિંગ સ્ટેશન પર લાખો લીટર પાણીનો બગાડ:કર્મચારી ગેરહાજર રહેતા ટાંકી ઉભરાઈ
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલા કાળકા પમ્પિંગ સ્ટેશન પરથી લાખો લીટર પીવાના પાણીનો બેફામ વેડફાટ થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ફરજ પર કોઈ કર્મચારી હાજર ન હોવાને કારણે પાણીની ટાંકી ઉભરાઈ ગઈ હતી, જેના પરિણામે કિંમતી પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં આવેલો છે. ઉનાળાની વર્તમાન સિઝનમાં શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી. ત્યારે નગરપાલિકાની આ ગંભીર બેદરકારી અને બિનકાળજીના કારણે હજારો ગેલન પાણીનો બગાડ થયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, એક તરફ પાણીની તંગી છે અને બીજી તરફ પાલિકાના જ મુખ્ય મથક સમાન પમ્પિંગ સ્ટેશન પર પાણીનો વેડફાટ થવો એ તંત્રના સંકલનના અભાવને દર્શાવે છે. આ ઘટના અંગે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યું કે પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે અને કર્મચારીઓ પર કોઈ અંકુશ રહ્યો નથી. રાત્રિ પાળીમાં કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવા છતાં જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે જનતાના ટેક્સના પૈસે અપાતી સુવિધાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. શહેર કોંગ્રેસે પાલિકાના અંધેર વહીવટ સામે સવાલો ઉઠાવી સત્વરે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગણી કરી છે. વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર અને સત્તાધીશો સમક્ષ પમ્પિંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવા અથવા જવાબદાર સુપરવાઈઝરની નિમણૂક કરવા માગણી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા પાણીના વેડફાટને અટકાવી શકાય અને પાટણની જનતાને ઉનાળામાં પાણીની તંગીનો સામનો ન કરવો પડે.
Read Original Article →