લૂંટેરી દુલ્હન ટોળકીનો મુખ્ય સાગરીત ઝડપાયો:ચંદ્રમાણાના યુવકને ₹2.15 લાખમાં પરણાવવાના ગુનામાં ધરપકડ
પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને લૂંટેરી દુલ્હન ટોળકીના એક મુખ્ય સાગરીતને પકડવામાં સફળતા મળી છે. આ આરોપી લાંબા સમયથી ફરાર હતો. પોલીસે બનાસકાંઠાના હડાદ પંથકના જીતુ કોદરવીને પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી ગદોસણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ ગુનો પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના ઘનશ્યામ ઠાકોર સાથે થયેલી છેતરપિંડીનો છે. ટોળકીએ લગ્ન કરાવી આપવાના બહાને તેમની પાસેથી Rs. 2,15,000 પડાવી લીધા હતા. ત્યારબાદ, 29 સપ્ટેમ્બર 2025ના રોજ ઘનશ્યામ ઠાકોરને રેણુકા ગમાર નામની લૂંટેરી દુલ્હન સાથે પરણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વિશેષ ડ્રાઇવ અંતર્ગત કાર્યવાહી
પાટણ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે 15 મે 2026 થી 31 મે 2026 સુધી એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, છેતરપિંડીના આ ગુના (BNS કલમ- 318(4), 61(2))માં સામેલ મુખ્ય સાગરીત જીતુ રાવજી સોમા કોદરવી (રહે. માછલા કુવારશી, તા. હડાદ, જી. બનાસકાંઠા) ગદોસણ ચોકડી પાસે ઊભો છે. બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની BNS કલમ 35(1)(j) મુજબ અટકાયત કરી છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →