ચિત્રકૂટ સોસાયટીએ લગાવ્યા 'કામ નહીં તો વોટ નહીં' બેનર:વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માગ
પાટણ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા આનંદ સરોવર પાછળની ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે 'કામ નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા આ બેનરોથી રાજકીય પક્ષોના ઉમેદવારોમાં સનસનાટી મચી ગઈ છે. સોસાયટી પરિવારે લગાવેલા બેનરમાં જણાવ્યું છે કે, છેલ્લા 20 વર્ષથી તેમની સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાને કારણે આજુબાજુની સોસાયટીનો કચરો પણ અહીં આવે છે, જેનું આજદિન સુધી કોઈ નિવારણ થયું નથી. વધુમાં, સોસાયટીના રહીશો મધ્યમવર્ગના હોવાથી સોસાયટીનો અંદરનો રોડ પણ બનાવવામાં આવ્યો નથી. બાજુમાં આનંદ સરોવર આવેલું હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે, પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. આના કારણે સોસાયટીના બાળકો અને વડીલોને બીમારીઓનો સામનો કરવો પડે છે. સોસાયટી દ્વારા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કલેક્ટરે ચાર માસનો સમય આપ્યો હતો. જોકે, આ વાતને આઠ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, સોસાયટી પરિવારે ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષે તેમની સોસાયટીમાં વોટ માંગવા ન આવવું તેવો ઉલ્લેખ કર્યો છે. આ માહિતી સોસાયટી પરિવારના પ્રજાપતિ રમેશભાઈ, શૈલેષભાઈ નાયી અને કનુભાઈ સુથારે આપી હતી.
Read Original Article →