પાટણના 71 શ્રમજીવી પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ:સોસાયટીના સભ્યોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી, વૈકલ્પિક જગ્યાની માગ સાથે સામૂહિક આપઘાતની મહિલાની ચીમકી
પાટણ શહેરના ડીસા રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં વસવાટ કરતા 71 ગરીબ પરિવારો પર બેઘર થવાનું સંકટ આવ્યું છે. સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આ પરિવારોને 9 એપ્રિલ સુધીમાં તમામ બાંધકામો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. રહીશોના જણાવ્યા અનુસાર, ગત 2 એપ્રિલ, 2026ના રોજ નોટિસ આપીને માત્ર એક અઠવાડિયામાં (9 એપ્રિલ, 2026 સુધીમાં) મકાનો ખાલી કરી દેવાનો આદેશ કરાયો છે. રોજ કમાઈને ખાનારા આ શ્રમજીવી પરિવારો માટે આટલા ટૂંકા ગાળામાં અન્યત્ર ક્યાં જવું તે મોટો પ્રશ્ન બન્યો છે. આજે સોસાયટીના સભ્યો પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેઓ કાયદાના વિરોધમાં નથી, પરંતુ તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ જમીન કે મકાન નથી. તેમણે માંગ કરી હતી કે જો સરકાર દ્વારા રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં આવે, તો તેઓ સ્વેચ્છાએ આ જગ્યા ખાલી કરવા તૈયાર છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર આવી જવાની ભીતિ વ્યક્ત કરતા રહીશોએ માનવતાના ધોરણે વધુ સમય આપવા અને પ્લોટ ફાળવવા આજીજી કરી હતી. રજૂઆત દરમિયાન સોસાયટીની એક મહિલાએ જણાવ્યું હતું કે, "અમારી પાસે બીજું કોઈ ઘર નથી. જો અમને રહેવા માટે અન્ય જગ્યા ફાળવવામાં નહીં આવે અને અમારા મકાનો તોડી પાડવામાં આવશે, તો અમે શ્રમજીવી સોસાયટીમાં જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈશું." આ નિવેદનને પગલે વાતાવરણ ગંભીર બન્યું હતું.શ્રમજીવી સોસાયટીના રહીશોએ નગરપાલિકા અને સરકારને અપીલ કરી છે કે ગરીબ માણસોના હિતમાં નિર્ણય લઈ, તેમને ઘરવિહોણા થતા બચાવવામાં આવે અને યોગ્ય પ્લોટની ફાળવણી કરવામાં આવે.
Read Original Article →