પાટણમાં બંધ દુકાનમાં ચોરી:ત્રણ આરોપી ₹45,950ના મુદ્દામાલ સાથે ઝડપાયા
પાટણ શહેરમાં બંધ દુકાનમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓને પાટણ સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, પાન પાર્લરનો સામાન અને એક મોટરસાયકલ સહિત કુલ ₹45,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીનો બનાવ ગત તારીખ 03 જૂનના રોજ પાટણના ઘી-વટા નાકે આવેલા ભોગીલાલ પાન પાર્લરની દુકાનમાં બન્યો હતો. આરોપીઓએ પાનનો ગલ્લો તોડી ચોરી કરી હતી. તેમણે અન્ય એક મકાન તોડવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું છે. પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ઉકેલવા માટે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ જિજ્ઞેશકુમાર દિનેશચંદ્ર અને દિવ્યાંગભાઇ ભરતભાઇને ખાનગી બાતમી મળી હતી કે, ત્રણ ઈસમો ચોરીનો મુદ્દામાલ વેચવા માટે મોટરસાયકલ પર ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પાટણ બીડી હાઈસ્કૂલના પાછળના ભાગે વોચ ગોઠવી હતી. ત્યાંથી એક મોટરસાયકલ પર પસાર થઈ રહેલા ત્રણ શંકાસ્પદ ઈસમોને પોલીસે કોર્ડન કરી અટકાવ્યા હતા. તેમની અંગઝડતી અને પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ₹7,900 રોકડ, ₹3,050નો પાન પાર્લરનો સામાન અને ₹35,000ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી કુલ ₹45,950નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ચાણસ્માના મુકેશજી ગોવાજી ઠાકોર, પાટણના દિનેશજી સોમાજી ઠાકોર અને પાટણના મનોજભાઇ પ્રહલાદભાઇ નાયીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુકેશજી ઠાકોર વિરુદ્ધ અગાઉ 6 ગુના, દિનેશજી ઠાકોર વિરુદ્ધ 4 ગુના અને મનોજભાઇ નાયી વિરુદ્ધ 1 ગુનો નોંધાયેલો છે.
Read Original Article →