ગુજરાતમાં RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પાટણ RTO કચેરી સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવાઈ: પોલીસનું સઘન સર્ચ ઓપરેશન
ગુજરાતની વિવિધ RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ઘટના બાદ પાટણ RTO કચેરી ખાતે તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. કચેરીને ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણ LCB PI આર. જે. ઉનાગરના જણાવ્યા અનુસાર, અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને પગલે પાટણ RTO કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર, કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરિસરની બહાર મોકલી દેવાયા હતા. હાલમાં, પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો RTO કચેરી ખાતે હાજર છે. પોલીસ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યા ઈ-મેલના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી રહી છે. RTO કચેરી અચાનક ખાલી કરાવી દેવાના કારણે કામકાજ અર્થે આવેલા અનેક અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
Read Original Article →