રાજકોટના શખસે સોલર સિસ્ટમના નામે છેતરપિંડી:પાટણના નિવૃત્ત વૃદ્ધ સાથે એક લાખની ઠગાઈ આચરી, 10 વર્ષ જૂના મિત્રે વિશ્વાસઘાત કરી પૈસા પડાવ્યા

Gujarat4/10/2026, 9:12:55 AM
રાજકોટના શખસે સોલર સિસ્ટમના નામે છેતરપિંડી:પાટણના નિવૃત્ત વૃદ્ધ સાથે એક લાખની ઠગાઈ આચરી, 10 વર્ષ જૂના મિત્રે વિશ્વાસઘાત કરી પૈસા પડાવ્યા
પાટણ શહેરમાં સોલાર સિસ્ટમ લગાડવાના બહાને એક નિવૃત્ત વૃદ્ધ સાથે 1,00,000 રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10 વર્ષ જૂના મિત્રએ જ વિશ્વાસઘાત કરી નાણાં પડાવી લીધા બાદ કામ ન કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યો ફરિયાદની વિગત મુજબ, પાટણના કેનાલ રોડ પર આવેલી શિવવિહાર સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ભરત વાણીયાની મિત્રતા અંદાજે 10 વર્ષ પહેલાં રાજકોટના (હાલ ગોંડલ) લાલજી રણછોડ સિંધવ સાથે થઈ હતી. લાલજી અવારનવાર ભરતના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેણે પોતે સોલારનો વ્યવસાય કરતો હોવાનું જણાવી ભરતના બે મકાનો પર સોલાર સિસ્ટમ ફિટ કરવા માટે સમજાવ્યા હતા. બે હપ્તામાં 1 લાખ પડાવ્યા મિત્ર પર વિશ્વાસ રાખી ભરતે સોલાર ફિટ કરાવવાની સહમતી આપી હતી. લાલજીના કહેવા મુજબ, ભરતે 7 ફેબ્રુઆરી 2022ના રોજ પુત્ર નિરવના ખાતામાંથી 50,000 અને 28 ફેબ્રુઆરી 2022ના રોજ પોતાના ખાતામાંથી બીજા 50,000 મળી કુલ 1,00,000 રૂપિયા જયેશ અશોક નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર ટ્રાન્સફર કર્યા હતા. સહી વગરનો ચેક આપી છેતરપિંડી કરી નાણાં મેળવ્યા બાદ લાલજીએ સોલાર લગાડવા બાબતે બહાનાબાજી શરૂ કરી હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. લાંબી ઉઘરાણી બાદ લાલજીએ ભરતના પત્નીને બેન્ક ઓફ બરોડાનો 50,000 રૂપિયાનો એક ચેક આપ્યો હતો. જોકે, આ ચેકમાં લાલજીએ સહી કરી ન હોવાથી તે બેન્કમાં જમા કરાવી શકાય તેમ નહોતો. પોલીસ કાર્યવાહી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ભરત વાણીયાએ પુત્ર સાથે પોલીસ સ્ટેશન જઈ લાલજી રણછોડ સિંધવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →