પાટણમાં પુરુષોત્તમ માસમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ:પિતૃમોક્ષાર્થે હર્ષદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશે, વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે
પાટણમાં આગામી પુરુષોત્તમ માસ (અધિક માસ) દરમિયાન પિતૃઓના મોક્ષાર્થે અને આત્મકલ્યાણના હેતુથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ "મોક્ષગાથા"નું આયોજન કરાયું છે. આ આધ્યાત્મિક મહોત્સવ માઁ બંગલોઝ, સાઈબાબા મંદિરની સામે યોજાશે.આ જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠ પર પાટણના કથા મર્મજ્ઞ હર્ષદભાઈ વ્યાસ (વ્યાસજી) બિરાજમાન થશે. તેઓ શ્રદ્ધાળુઓને શ્રીમદ્ ભાગવતજીના કથામૃતનું રસપાન કરાવશે. કથાના મુખ્ય પોથી યજમાન પાટણના બિલ્ડર પટેલ ડાહ્યાભાઈ મંચારામ પરિવાર (રાજપુરવાળા) બન્યા છે. પરિવારના સુનિલભાઈ, પરેશભાઈ અને રાજેશભાઈ દ્વારા પોથીજીનું પૂજન-અર્ચન કરાશે. કથાની પૂર્ણાહુતિ તા. 15 જૂન, 2026 ના રોજ થશે. દરરોજ રાત્રે 8:00 થી 11:00 કલાક દરમિયાન કથાનું શ્રવણ કરાશે. આ સાત દિવસીય જ્ઞાનયજ્ઞ દરમિયાન ભાગવતજીના વિવિધ પ્રસંગો ઉજવાશે. તા. 12 જૂન, 2026 ના રોજ શ્રી રામજન્મ, શ્રી વામન જન્મ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ (નંદ ઉત્સવ) ઉજવાશે. તા. 13 જૂન, 2026 ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ, જ્યારે તા. 14 જૂન, 2026 ના રોજ શ્રી રુકમિણી વિવાહ યોજાશે. કથાના અંતિમ દિવસે તા. 15 જૂન, 2026 ના રોજ શ્રી સુદામા ચરિત્ર અને પરિક્ષિત મોક્ષ પ્રસંગની ઉજવણી કરાશે. મહોત્સવનું દીપ પ્રાગટ્ય ભુવાજી કાંતિભાઈ કરશનભાઈ પટેલ (સિકોતર માતાજી - રૂપપુર), ભુવાજી વિનુભાઈ જોઈતારામ પટેલ (લિંબડીવાળા ગોગા મહારાજ - અધાર) અને ભુવાજી પટેલ દિનેશભાઈ નાનાલાલ (નારસુંગા વિર દાદા) ના હસ્તે થશે. કથાના આયોજન માટે નિરવ વ્યાસ, મહેન્દ્રભાઈ પટેલ અને નિરંજન વ્યાસ સહિતના કાર્યકર્તાઓ કાર્યરત છે.
Read Original Article →