પીતાંબર તળાવ પરના દબાણ હટાવવાની નોટિસનો વિરોધ:મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ પહોંચ્યા, વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

Gujarat5/19/2026, 12:45:33 PM
પીતાંબર તળાવ પરના દબાણ હટાવવાની નોટિસનો વિરોધ:મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ પહોંચ્યા, વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારમાં સર્વે નંબર 1034 અને સિટી સર્વે નંબર 215 વાળી જમીન પર વર્ષ 1982થી અંદાજિત 150 ગરીબ પરિવારોના 1000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. પાટણ નગરપાલિકા દ્વારા 15 મે 2026ના રોજ આ વસાહતને બિનઅધિકૃત દબાણ ગણાવીને 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ મળતા જ રહીશોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. નોટિસના વિરોધમાં, સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ ટ્રેક્ટરો લઈને નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ પાલિકા સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 42 વર્ષથી આ સ્થળે શાંતિપૂર્વક વસવાટ કરે છે અને પાલિકામાં નિયમિત રીતે ઘરવેરો, પાણી વેરો, સફાઈ વેરો અને લાઈટ વેરો ભરે છે. વધુમાં, રહીશોના ઓળખપત્રો, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ બાળકોના અભ્યાસના સરનામા પણ આ જ સ્થળના છે. અહીં રહેતા મોટાભાગના લોકો છૂટક મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમણે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર તેમને હટાવવામાં ન આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે રહીશોની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સામે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પીતાંબર તળાવમાં સમગ્ર ગામનું પાણી જાય છે અને પાટણ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ખૂબ જ મર્યાદિત સ્ત્રોત ઉપલબ્ધ છે. નદીની સપાટી ઊંચી હોવાના કારણે વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થતો નથી અને રહીશો દ્વારા જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં જ અવરોધ ઊભો કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે વોટર બોડીના કિનારે અથવા જળાશયોમાં અવરોધ કરતા તમામ દબાણો તાકીદે દૂર કરવાના રહેશે. તદુપરાંત, સરકારી જમીન પરના તમામ દબાણો હટાવવા માટે તંત્ર પાસે સ્પષ્ટ દિશાનિર્દેશો છે, જેના ભાગરૂપે જ આ નોટિસ આપીને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી જગ્યાઓ પર દબાણ કર્યા બાદ વૈકલ્પિક જગ્યાની માંગણી સ્વીકારી શકાય નહીં. આ મામલે અસરગ્રસ્ત રહીશ ભરત ઠાકોરે જણાવ્યું હતું કે, અહીં રહેતા તમામ પરિવારો જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે, પરંતુ 15 દિવસની ટૂંકી નોટિસમાં આ પરિવારો ક્યાં જાય? સરકારે સૌપ્રથમ આ પરિવારો માટે રહેવાની કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી રહીશો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે. જો સરકાર કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ ગરીબ પરિવારોના પુનઃવસનની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો રહીશો દ્વારા ગાંધીજીના ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. રહીશો આગામી સમયમાં કલેક્ટર કચેરીની બહાર ઉપવાસ આંદોલન પર બેસશે અને આ દરમિયાન જો કોઈ પણ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મોટાભાગે ઠાકોર સમાજના લોકો અને તેમની સાથે અન્ય સમાજના લોકો પણ વર્ષોથી વસવાટ કરે છે. ઠાકોર સમાજના આગેવાનો જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે મદદે આવવાના વાયદા કરે છે, ત્યારે આજે ખરા અર્થમાં પાટણમાં ઠાકોર સમાજને તેમની જરૂર છે. આ ગરીબ પરિવારોને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજના તમામ આગેવાનોએ આગળ આવવું જોઈએ. આ સાથે જ તેમણે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને પણ અપીલ કરી છે કે તેઓ રૂબરૂ આ પરિવારોની મુલાકાત લે અને ગરીબોના આશિયાના ન છીનવાય તે માટે રહેવાની કાયમી વ્યવસ્થા કરાવવા પોતાના સ્તરેથી જરૂરી પ્રયાસો કરે.
Read Original Article →