પાટણની ફાર્મસી કોલેજને PCI મંજૂરી મળી:60 બેઠકો પર બી.ફાર્મ. પ્રવેશ પ્રક્રિયા આ વર્ષથી શરૂ થશે

Gujarat5/14/2026, 9:15:31 AM
પાટણની ફાર્મસી કોલેજને PCI મંજૂરી મળી:60 બેઠકો પર બી.ફાર્મ. પ્રવેશ પ્રક્રિયા આ વર્ષથી શરૂ થશે
પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા સત્તાવાર મંજૂરી મળી છે. આ સાથે જ ગુજરાત સરકાર અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે સંલગ્નતા પણ પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે ચાલુ શૈક્ષણિક વર્ષથી બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ.) અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પાટણ શહેરમાં અત્યાર સુધી ફાર્મસી કોલેજનો અભાવ હતો. NGES દ્વારા શરૂ કરાયેલી આ નવી કોલેજ સ્થાનિક અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની મોટી તક પૂરી પાડશે. આ સંસ્થા વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ અને પ્રાયોગિક જ્ઞાન દ્વારા હેલ્થકેર અને ઔષધ નિર્માણ ક્ષેત્ર માટે તૈયાર કરશે. NGES કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના ડૉ. જય ધ્રુવે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કોલેજ 60 બેઠકોની મંજૂરી સાથે શરૂ કરવામાં આવી છે. તેના માટે ભવ્ય અને આધુનિક મકાન તૈયાર કરાયું છે. કોલેજમાં અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ વર્ગખંડો અને અનુભવી પ્રાધ્યાપકોની સુવિધા ઉપલબ્ધ છે. શિક્ષણમાં ગુણવત્તા લાવવાના હેતુ સાથે પાટણને ફાર્મસી શિક્ષણનું નવું કેન્દ્ર બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.
Read Original Article →