પાટણ પાલિકાએ ટ્રાફિક સમસ્યા હલ કરવા કાર્યવાહી કરી:બગવાડા ચોકમાંથી દબાણો હટાવી ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા ફળવાશે

Gujarat5/23/2026, 3:12:50 AM
પાટણ પાલિકાએ ટ્રાફિક સમસ્યા હલ કરવા કાર્યવાહી કરી:બગવાડા ચોકમાંથી દબાણો હટાવી ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા ફળવાશે
પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ બગવાડા ચોકમાંથી લારી-ગલ્લા અને ફેરિયાઓના દબાણો હટાવી તેમને વૈકલ્પિક જગ્યા ફળવામાં આવશે. આ પગલાથી નાગરિકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે અને ફેરિયાઓની રોજગારી પણ જળવાઈ રહેશે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલ, પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક નગરસેવકોએ બગવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. બગવાડા ચોકમાં ઊભા રહેતા ફેરિયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા બગવાડા પેટ્રોલ પંપની પાછળ આવેલી ત્રિકોણીય જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું. આ ત્રિકોણીય મેદાન પર લાંબા સમયથી ચાની કીટલીઓ, શેરડીના રસના કોલા, ઠંડા પીણાંની હાટડીઓ અને ઘરવખરીનો સામાન વેચતી દુકાનોના કાચા-પાકા દબાણો હતા. પાલિકાની ટીમે જેસીબી અને સફાઈ કામદારોની મદદથી આ તમામ દબાણો તાત્કાલિક હટાવી જગ્યાને સાફ અને ખુલ્લી કરી દીધી હતી. જગ્યા સાફ થયા બાદ પાલિકા તંત્ર અને નગરસેવકોએ બગવાડા ચોકના મુખ્ય માર્ગ પરના લારી-ગલ્લા ધારકો અને ફેરિયાઓને આ નવી અને સાફ કરાયેલી જગ્યા પર સ્થળાંતર કરવા જણાવ્યું છે. આનાથી ફેરિયાઓની રોજગારી જળવાઈ રહેશે અને તેમને ધંધા માટે ખુલ્લી જગ્યા મળશે. બગવાડા ચોક પાટણ શહેરનો એક અત્યંત વ્યસ્ત અને હાર્દ સમાન વિસ્તાર છે. અગાઉ અહીં લારીઓ રોડ પર ઊભી રહેતી હોવાથી પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ થતો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ અને રાહદારીઓને પણ મુશ્કેલી પડતી હતી. પાલિકાની આ કામગીરીથી હવે બગવાડા ચોક ટ્રાફિકમુક્ત બનશે તેવી અપેક્ષા છે.
Read Original Article →