પાટણ: પિતાંબર તળાવના 104 દબાણ હટાવવા નોટિસ:ચોમાસા પૂર્વે 15 દિવસમાં સ્થળાંતર કરવા પાલિકાનો આદેશ

Gujarat5/19/2026, 3:17:03 AM
પાટણ: પિતાંબર તળાવના 104 દબાણ હટાવવા નોટિસ:ચોમાસા પૂર્વે 15 દિવસમાં સ્થળાંતર કરવા પાલિકાનો આદેશ
પાટણ નગરપાલિકાએ ઐતિહાસિક પિતાંબર તળાવ ફરતે થયેલા 104 ગેરકાયદેસર દબાણોને ચોમાસા પૂર્વે હટાવવા માટે 15 દિવસની આખરી નોટિસ ફટકારી છે. ગંદા પાણી અને આગામી ચોમાસામાં પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે. પાટણ શહેરના ખાલકશા રોડ પર આવેલું આ વર્ષો જૂનું તળાવ હાલમાં બિનઅધિકૃત દબાણોનો ભોગ બન્યું છે. સિંચાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટે મહત્વપૂર્ણ આ વિશાળ તળાવ ચો તરફથી દબાણોને કારણે સાંકડું બની ગયું છે. તળાવમાં ગટરના ગંદા પાણી ભરાયેલા હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિક રહીશોના આરોગ્યને જોખમ છે. તળાવની આજુબાજુ અને તેની ફરતે અસંખ્ય ઝૂંપડાઓ અને કાચા મકાનો ઊભા કરવામાં આવ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થાય છે અને ગંદા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જાય છે. આવી કટોકટીની સ્થિતિમાં દર વર્ષે સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોનું બચાવ કાર્ય કરવું પડે છે. દર વર્ષે સર્જાતી આ ગંભીર સમસ્યા અને જાનમાલના નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ અગમચેતીના ભાગરૂપે કડક પગલાં લેવાયા છે. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારના તમામ 104 રહીશોને પોતાનો સામાન લઈને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી જવા માટે કાયદેસરની નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે. નોટિસ અનુસાર, ટી.પી. સ્કીમ નં. 2 (સમાલપાટી) ના સર્વે/બ્લોક નં. 1034, સી.એસ. નં. 218, અંતિમખંડ નં. 221 વાળી પિતાંબર તળાવની જમીન પર કરાયેલું દબાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને પર્યાવરણીય હિતોનું ઉલ્લંઘન કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવી જોખમી જગ્યાઓ પર વસવાટ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે. આથી, નોટિસ મળ્યાના 15 દિવસની અંદર તમામ આસામીઓએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં દબાણો દૂર કરવામાં નહીં આવે, તો પાટણ નગરપાલિકા દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વિના બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી દબાણકર્તાઓની રહેશે.
Read Original Article →