3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્:'વોટ લીધા પછી કોઈ ડોકાતું નથી' : મહિલાઓનો ચૂંટણી બહિષ્કાર; ગટરના ઉભરાતા પાણી, તૂટેલા રસ્તાઓથી પરેશાન જનતા

Gujarat4/7/2026, 6:54:01 AM
3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્:'વોટ લીધા પછી કોઈ ડોકાતું નથી' : મહિલાઓનો ચૂંટણી બહિષ્કાર; ગટરના ઉભરાતા પાણી, તૂટેલા રસ્તાઓથી પરેશાન જનતા
પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. મુખ્ય સમસ્યાઓ: ગંદકી, ગટર અને બિસ્માર રસ્તા સૂર્યાનગર અને ક્રિષ્ના રો-હાઉસમાં ગટરના પાણી બેક મારવાની સમસ્યા ગંભીર છે. ગંદા પાણી ઉભરાઈને રોડ પર ફરી વળતાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે. અનેક ઘરોમાં શૌચાલયના પાણી રિવર્સ આવતા હોવાથી લોકો નરકાગારમાં રહેવા મજબૂર બન્યા છે. એક તરફ પીવાના પાણીની અછત છે, ત્યારે બીજી તરફ સૂર્યાનગર સ્કૂલ પાસે પાઈપલાઈન તૂટેલી હોવાથી શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. અઘારા દરવાજા પાસેનો નવો બગીચો અને દામાજી બાગ હાલ ઉજ્જડ બન્યા છે. પીવાના પાણીની ટાંકી હોવા છતાં નળમાં પાણી આવતું નથી. રમત-ગમતના સાધનો તૂટી ગયા છે, જે બાળકો માટે જોખમી છે. સફાઈના અભાવે આ સ્થળો અસામાજિક તત્વો અને ગંદકીનો અડ્ડો બની ગયા છે. ખોખરવાડા, મોટીસરા અને ઓડવાસમાં છેલ્લા 4 વર્ષથી રોડની હાલત અત્યંત ખરાબ છે. વરસાદી પાણીના ભરાવા અને ખાડાઓને કારણે વૃદ્ધો માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો મિજાજ: "વોટ લીધા પછી કોઈ આવતું નથી" લોકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ભારે આક્રોશ છે. મહિલાઓએ તો આ વખતે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. અનિતાબેન પ્રજાપતિ (સ્થાનિક રહીશ)એ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં એક પણ કોર્પોરેટર અહીં ડોકાયું નથી. જ્યાં બ્લોક નાખવાની જરૂર નથી ત્યાં વારંવાર ખોદકામ કરીને પૈસા વેડફાય છે, પણ ખરેખર જરૂર છે ત્યાં કોઈ ધ્યાન આપતું નથી. શાંતાબેન (વૃદ્ધા)એ જણાવ્યું હતું કે, ગટરના પાણી ઘરમાં બેક મારે છે. નાવા-ધોવા કે શૌચાલય જવા માટે પણ અમારે મુશ્કેલી વેઠવી પડે છે. અનેક રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી. આવી ગંદકીમાં અમારે કઈ રીતે જીવવું? હરિભાઈ પટેલ (ખોખરવાડા)એ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી રોડ બિસ્માર છે. ઘૂંટણની તકલીફવાળા વડીલો વારંવાર પડી જાય છે. તંત્ર પાસે જઈએ તો માત્ર આશ્વાસન મળે છે અને સફાઈ કામદારો પણ ઉપરછલ્લી સફાઈ કરીને ચાલ્યા જાય છે. નિરંજનકુમાર સોલંકી અને વિરેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું રે, ભરઉનાળે બગીચામાં પીવા માટે પાણીનું ટીપુંય નથી. સાધનો તૂટેલા છે અને જંગલી ઝાડીઓ ઉગી નીકળી છે. બાળકોને રમવા મોકલવા પણ હવે જોખમી લાગે છે. વોર્ડ નંબર 2: એક નજર (આંકડાકીય વિગતો) વોર્ડ નંબર 2માં વિવિધ જ્ઞાતિઓનું વર્ચસ્વ છે અને રાજકીય રસાકસી હંમેશા અહીં તેજ રહે છે. વોર્ડ નંબર 2માં ધાર્મિક સ્થાનો અને પૂર્વ પ્રમુખોની હાજરી હોવા છતાં વિકાસના કામો માત્ર કાગળ પર રહી ગયા હોય તેવું જણાય છે. ગંદકી, ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓથી ત્રસ્ત જનતા આ વખતે 'નો વોટ' નો મૂડ બનાવી રહી છે. 26 એપ્રિલે થનારું મતદાન જનતાના આ આક્રોશનું પ્રતિબિંબ પાડશે કે કેમ તે જોવું રહ્યું. ---- આ પણા વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
Read Original Article →