પાટણ નગરપાલિકામાં ભાજપની 'નો રિપીટ' થિયરી લાગુ:તમામ 40 બેઠકો પર નવા ચહેરા, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ દિગ્ગજોના પત્તા કપાયા
પાટણ નગરપાલિકાના વહીવટમાં પાછલા અઢી વર્ષ દરમિયાન સર્જાયેલી નિષ્ફળતા અને આંતરિક જૂથબંધીની ગંભીર નોંધ લઈને ભાજપ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી તમામ 40 બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના તમામ સિનિયર નેતાઓને ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે. વિકાસમાં નિષ્ફળતા અને જૂથબંધી નડી
પાછલા 5 વર્ષના શાસનમાં, ખાસ કરીને અંતિમ અઢી વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ગંભીર આંતરિક ડખા જોવા મળ્યા હતા. પ્રમુખ અને કારોબારી સભ્યો વચ્ચેના મનભેદને કારણે અનેક વિકાસકામો અટવાયા હતા. ગાંધીનગર સુધી પહોંચેલી આ જૂથબંધીને કારણે પક્ષની છબી ખરડાઈ હોવાનું માનીને સંગઠને તમામ જૂના ચહેરાઓને પડતા મૂકવાનો કડક નિર્ણય લીધો છે. આ દિગ્ગજોના પત્તા કપાયા
ભાજપની સત્તાવાર યાદી મુજબ, ચૂંટણી ચિત્રમાંથી બહાર થયેલામાં જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે: પૂર્વ પ્રમુખ: હિરલ પરમાર, સ્મિતા પટેલ પૂર્વ ઉપપ્રમુખ: હિના શાહ પૂર્વ કારોબારી ચેરમેન: શૈલેષ પટેલ, મુકેશ પટેલ અન્ય અગ્રણીઓ: જયેશ પટેલ (કેસી પટેલના ભાઈ), મહેશ પટેલ, અરવિંદ પટેલ, દેવચંદ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, હરેશ મોદી અને ગીરીશ પટેલ. પ્રમુખ પદ માટે લોબિંગ કરનાર બિપીન પરમારને પણ ટિકિટ આપવામાં આવી નથી. વોર્ડ નંબર 7 પર સસ્પેન્સ યથાવત
ભાજપે બાકીના વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ વોર્ડ નંબર 7 ના નામો હજુ અનામત રાખ્યા છે. આ વોર્ડમાં જૂના સભ્યોમાંથી કોઈને રિપીટ કરવામાં આવે છે કે કેમ તે અંગે અટકળો તેજ બની છે. ખાસ કરીને શિસ્તબદ્ધ ગણાતા રાજેન્દ્ર હિરવાણીયાના નામ પર સૌની મીટ મંડાણી છે. કોંગ્રેસના સિનિયરો vs ભાજપના જુનિયરો
ભાજપે તમામ નવા ચહેરા ઉતારતા હવે જંગ રસપ્રદ બનશે. જો કોંગ્રેસ પોતાના સિનિયર અને અનુભવી નેતાઓને મેદાનમાં ઉતારશે, તો પાટણના ચૂંટણી મેદાનમાં 'અનુભવ વિરુદ્ધ ઉત્સાહ' જેવો માહોલ જોવા મળી શકે છે. નવા ઉમેદવારો મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહે છે તે પરિણામો જ સ્પષ્ટ કરશે. આંતરિક બળવાની આશંકા?
ટિકિટ કપાવાને કારણે સિનિયર નેતાઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના કેટલાક નેતાઓ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય થઈ જાય અથવા અંદરખાને લોબિંગ કરીને નવા ઉમેદવારોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. બીજી તરફ, પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે પત્તું કપાય તે પહેલા જ સામેથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.
Read Original Article →