ચંદ્રિકાબેન રાવળ પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખ:ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલે પણ પદભાર સંભાળ્યો
પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે ગુરુવારે પોતાના હોદ્દાનો વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે પક્ષના નેતા મનોજ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિએ પણ પદભાર ગ્રહણ કર્યો હતો. પદભાર સંભાળતા પહેલા ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ વાજતે-ગાજતે નગરપાલિકા પહોંચ્યા હતા. આ પ્રસંગે મંદિર અને મામા ભાણેજની દરગાહ ખાતે દર્શન કરવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડી આતશબાજી પણ કરાઈ હતી. નગરપાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખની ઓફિસમાં પૂજા વિધિ કરી વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી સંજય પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. પાટણ નગરપાલિકાના 98 વર્ષના ઇતિહાસમાં ચંદ્રિકાબેન રાવળ રાવળ સમાજમાંથી પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. 1 ઓગસ્ટ 1927ના રોજ છોટાલાલ કીલાચંદ શેઠ પ્રથમ પ્રમુખ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 49 પ્રમુખ રહી ચૂક્યા છે. 19 માર્ચ 2024ના રોજ ચંદ્રિકાબેને આ ઐતિહાસિક પદભાર સંભાળ્યો હતો. પાટણ પાલિકા પ્રમુખ ચંદ્રિકા બેન રાવળે જણાવ્યું હતું કે, અમારા 44 નગરસેવકોને સાથે લઈને સર્વાંગી વિકાસ કરીશ. પાટણ હેરિટેજ આપણી નગરી કહેવાય છે, તેને હું સ્વચ્છ અને સુંદર બનાવીશ. વરસાદી પાણીનો બને એટલો જલ્દીથી નિકાલ કરાવીશું. પાટણની પ્રજાની વાત સાંભળીશું અને જેટલો ઝડપથી નિકાલ થાય તેવો પ્રયત્ન કરીશું. રખડતા ઢોરોનો ત્રાસ અને ગૌપાલકોના ઢોરવાડાની જગ્યા અંગેની સમસ્યાનું નિરાકરણ બંને પક્ષે લાભ થાય તેવી રીતે 'કાઉ હોસ્ટેલ'નું પણ આયોજન કરીશું. હિંસક કૂતરાઓના હુમલા સામે રક્ષણ મળે તેવું 'ડોગ હોસ્ટેલ'નું આયોજન સરકારની માર્ગદર્શિકા મુજબ કરીશ. શહેરમાં બિલકુલ કચરો બહાર ન દેખાય તેનું સઘન આયોજન પણ પ્રગતિમાં છે. પાટણની જનતાની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સગવડ સાચવવાની મારી ટીમ સાથે ખાતરી આપું છું.”
Read Original Article →