પાટણ નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે મોટો ઉલટફેર:કિરીટ પટેલની હાજરીમાં દિનેશ પટણીની કોંગ્રેસમાં ‘ઘરવાપસી’, પૂર્વ ઉપપ્રમુખને ભાજપની ટિકિટ ન મળતાં ફરી ‘પંજા’માં
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે પાટણ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટણીએ ભાજપ સાથે છેડો ફાડીને સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ભાજપ દ્વારા ટિકિટ આપવાનો ઇનકાર કરાતા નારાજ થયેલા પટણીએ ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. મંદિર ખાતે પક્ષપલટાનો કાર્યક્રમ યોજાયો
આ પક્ષપલટાનો કાર્યક્રમ હડકમાઈ માતાજીના મંદિર ખાતે યોજાયો હતો. દિનેશ પટણી અને તેમના સમર્થકોએ માતાજીના દર્શન કર્યા બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. પટણી અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યાં પણ ઉપપ્રમુખની જવાબદારી સંભાળી હતી. લાંબા સમય બાદ પોતાની મૂળ વિચારધારામાં પરત ફરવાને રાજકીય વર્તુળો ‘ઘરવાપસી’ તરીકે જોઈ રહ્યા છે. ટિકિટની નારાજગી પક્ષપલટાનું મુખ્ય કારણ
કોંગ્રેસમાં જોડાયા બાદ દિનેશ પટણીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે પટણી સમાજને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ વલણથી નારાજ થઈને સમાજના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. સામે પક્ષે કોંગ્રેસે વોર્ડ નંબર 9માં પટણી સમાજને એક ટિકિટ આપવાનું વચન આપ્યું છે. રાજકીય સમીકરણો બદલાશે
નોંધનીય છે કે, દિનેશ પટણીએ થોડા દિવસો પહેલા જ ભાજપમાંથી ઉમેદવારી માટે સેન્સ આપ્યા હતા. ચૂંટણીના ઠીક પહેલા ભાજપના કદાવર નેતાનું કોંગ્રેસમાં જવું એ શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા જોવામાં આવી રહી છે.
Read Original Article →