પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નિમણૂકને લઈને નવો વિવાદ:સત્તાવાર નિમણૂક પ્રક્રિયા પૂર્ણ નથી થઈ છતાં નીલમ પટેલના નામની પ્લેટ લગાડાયાના આક્ષેપ, ચાર્જ પણ સંભાળી લીધો
પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નિમણૂકને લઈને નવો વિવાદ સર્જાયો છે. પાલિકામાં વિવિધ સમિતિઓની રચના અને તેના ચેરમેનોની નિમણૂક માટેની બંધારણીય પ્રક્રિયા હજુ બાકી હોવા છતાં, કારોબારી ચેરમેન તરીકે નામની પ્લેટ લગાવી દેવામાં આવ્યાના આક્ષેપ સાથે સદસ્યો દ્વારા ચીફ ઓફિસરની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોર્પોરેટર દીપક પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના હોદ્દેદારો દ્વારા કારોબારી ચેરમેનની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે એક જ સંયુક્ત ચેમ્બર હતી, પરંતુ નવી નિમણૂકો બાદ ત્રણેય હોદ્દેદારો માટે અલગ-અલગ ઓફિસ ફાળવવામાં આવી છે. નિયમ મુજબ, પ્રમુખ દ્વારા બોર્ડ બોલાવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે અને ત્યારબાદ તે સમિતિઓના ચેરમેનોની નિમણૂક બોર્ડની અંદર થતી હોય છે. પાટણ નગરપાલિકામાં હજુ સુધી સમિતિઓની રચનાની આ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આમ છતાં, કારોબારી ચેરમેન તરીકે નીલમ પટેલના નામનું બોર્ડ ઓફિસની બહાર લગાવી દેવામાં આવ્યું છે. આ મુદ્દે પાલિકાના સદસ્ય દીપક પટેલે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર નગરપાલિકાના અધિકારી છે, કોઈ પક્ષના માણસ નથી. સત્તાવાર નિમણૂક વગર નામની પ્લેટ લગાવવી એ નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે બંધારણીય હોદ્દા માટેની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બોર્ડ તાત્કાલિક અસરથી ઉતારી લેવાની માંગ કરી છે. માત્ર 'કારોબારી ચેરમેન' એવું લખાણ રાખવા સામે વાંધો નથી, પરંતુ વ્યક્તિગત નામ સાથેનું બોર્ડ લગાવવું એ નિયમ વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, આજે કારોબારી ચેરમેન નીલમ પટેલે પોતાની ઓફિસમાં બેસી ચાર્જ સંભાળ્યો હતો. ભાજપના આગેવાનો અને સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સત્તાવાર નિમણૂક પ્રક્રિયા પૂર્ણ નથી થઈ છતાં નીલમ પટેલના નામની પ્લેટ કેમ લાગી આ બાબતે ચીફ ઓફ ઓફિસરે જણાવ્યું હતું કે મારે નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી.
Read Original Article →