ગુજરાત UCC 2026 બિલના વિરોધમાં પાટણમાં કલેક્ટરને આવેદનપત્ર:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ બિલને ગેરબંધારણીય ગણાવી પરત ખેંચવા માંગ કરી
ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરેલા 'ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026' (UCC) બિલના વિરોધમાં પાટણ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ જણાવ્યું છે કે, આ કાયદો ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), કલમ 25 (ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર) અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 44 (સમાન નાગરિક સંહિતા) વિરુદ્ધ છે. તેમની રજૂઆત મુજબ, આ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને વ્યક્તિગત અધિકારો પર સીધી અસર કરે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બંધારણની કલમ 25 દરેક નાગરિકને પોતાનો ધર્મ માનવાની અને તે મુજબ આચરણ કરવાની સ્વતંત્રતા આપે છે. જોકે, આ નવો કાયદો ધાર્મિક પર્સનલ લોમાં દખલગીરી કરીને આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, UCC બિલમાં અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય કેટલાક સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે. આ જોગવાઈ બંધારણની કલમ 14 હેઠળ મળતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. સમિતિએ આક્ષેપ કર્યો છે કે, આ કાયદો માત્ર એક ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવીને લાવવામાં આવ્યો છે, જે સામાજિક અસમાનતા પેદા કરી શકે છે. બિલમાં સમાવિષ્ટ લગ્ન, છૂટાછેડા અને વારસા હક્ક સંબંધિત જોગવાઈઓ મુસ્લિમ શરિયત કાયદાની વિરુદ્ધ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, લિવ-ઈન રિલેશનશિપના ફરજિયાત રજીસ્ટ્રેશન જેવી જોગવાઈઓ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેને સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોથી વિપરીત ગણાવવામાં આવી છે. પાટણના કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આ બાબતે ફેરવિચારણા કરવા અને બંધારણીય જોગવાઈઓને ધ્યાને રાખીને આ બિલ પરત ખેંચવા અથવા તેમાં જરૂરી સુધારા કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સમિતિના વહીવટી સભ્યો, કાયદાકીય સલાહકારો અને મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →