પાટણ ફાયરિંગ-મર્ડર કેસના આરોપીના વચગાળાના જામીન નામંજૂર:માતા-ભાઈના અવસાન બાદની વિધિ માટે 15 દિવસના જામીન માંગ્યા હતા

Gujarat6/7/2026, 7:08:34 AM
પાટણ ફાયરિંગ-મર્ડર કેસના આરોપીના વચગાળાના જામીન નામંજૂર:માતા-ભાઈના અવસાન બાદની વિધિ માટે 15 દિવસના જામીન માંગ્યા હતા
પાટણ શહેરમાં નીલમ સિનેમા પાસે યુસુફ ખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી જાહીરખાન ઉર્ફે ખોખરા અબ્બાસખાન બેલીમની વચગાળાની જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ તેની માતા અને ભાઈના અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં હાજરી આપવા માટે 15 દિવસના જામીન માંગ્યા હતા. આરોપી જાહીરખાન ઉર્ફે ખોખરાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગત 30 મે, 2026ના રોજ આરોપીના ભાઈનું અને ત્યારબાદ 31 મે, 2026ના રોજ તેની માતા સલમાબેનનું નિધન થયું હતું. માતાની દફનવિધિ માટે કોર્ટે અગાઉ પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી હતી. જોકે, ભાઈ અને માતાની ઝીયારત તેમજ અન્ય ધાર્મિક વિધિ અને વ્યવસ્થા માટે ઘરમાં કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાથી 15 દિવસના જામીન માંગવામાં આવ્યા હતા. આ જામીન અરજી સામે સરકારી વકીલ જે.જે. બારોટે ઉગ્ર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) (ખૂન), ૧૨૬(૨), ૬૧(૨) તેમજ આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. તપાસ કરનાર પોલીસ અધિકારીના અહેવાલમાં ખુલાસો થયો હતો કે, આરોપીના પરિવારમાં અન્ય મોટાભાઈ, બહેનો અને સગા-સંબંધીઓ હાજર છે, જેથી ધાર્મિક વિધિઓ માટે આરોપીની હાજરી અનિવાર્ય નથી. સરકાર પક્ષે કોર્ટ સમક્ષ ભય વ્યક્ત કર્યો હતો કે આરોપી માત્ર પાટણ પૂરતો સીમિત નથી. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ અગાઉ નવ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે રીઢો ગુનેગાર હોવાથી જો તેને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે, તો તે કાયદાના સકંજામાંથી નાસી છૂટે તેવી શક્યતા છે, જેના કારણે આ ચકચારી મર્ડર કેસની ટ્રાયલમાં મોટો વિલંબ થઈ શકે છે. કોર્ટે ગુનાની ગંભીરતા, આરોપીનો ગુનાહિત ભૂતકાળ અને નાસી છૂટવાની શક્યતાને ધ્યાને રાખીને આરોપી જાહીરખાન ઉર્ફે ખોખરાની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.
Read Original Article →