પાટણ નગરપાલિકા ચૂંટણી:ભાજપે 40 નામો જાહેર કર્યા, કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપી; ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું

Gujarat4/10/2026, 2:11:50 PM
પાટણ નગરપાલિકા ચૂંટણી:ભાજપે 40 નામો જાહેર કર્યા, કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપી; ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું
પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 40 બેઠકોના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. બીજી તરફ, કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર કર્યા વિના જ ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી ચૂંટણી લડવા લીલી ઝંડી આપી છે. આ સૂચના મળતા જ આજથી કોંગ્રેસના ઉમેદવારોએ પાટણ પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સરકારી કચેરી પરિસર ગુંજી ઉઠ્યું હતું. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી આજે એક જ દિવસમાં 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસ તરફથી દશરથલાલ જેસંગલાલ ભીલ, આકાશકુમાર દશરથલાલ ભીલ, દક્ષાબેન રજનીકાંત સોલંકી, સુરેશકુમાર મફતલાલ પટેલ અને મનીષાબેન જશવંતભાઇ ઠકકરે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી (AAP) તરફથી હિતેશકુમાર જયંતિભાઇ પટેલ, ધર્માભાઇ શિવાભાઇ ચમાર, ઉપેશ પનાલાલ પંચાલ અને રાજેશ ભેમજી ભાઈ ઠાકોરે ફોર્મ ભર્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે પુનમભાઇ શકરાભાઇ પટણી અને ભરતકુમાર જયંતીલાલ ભાટીયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ચૂંટણી જંગમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કોંગ્રેસની આ રણનીતિને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી, તંત્ર દ્વારા પ્રાંત કચેરી ખાતે ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. હાલમાં, તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ વોર્ડ વાઈઝ પ્રચાર અને સંગઠનની કામગીરી પર ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે.
Read Original Article →