પાટણ પાલિકાને પ્રથમ રાવળ સમાજના મહિલા પ્રમુખ મળ્યા:ચંદ્રિકાબેન રાવળ પ્રમુખ, ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ; ભાજપ પ્રેરિત પેનલનો વિજય

Gujarat5/19/2026, 9:31:21 AM
પાટણ પાલિકાને પ્રથમ રાવળ સમાજના મહિલા પ્રમુખ મળ્યા:ચંદ્રિકાબેન રાવળ પ્રમુખ, ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ; ભાજપ પ્રેરિત પેનલનો વિજય
પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ છે. ભાજપના મેન્ડેડ પરથી ચંદ્રિકાબેન રાવળ પ્રમુખ અને ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા છે. પાટણ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના ઓબીસી વર્ગના મહિલા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળની વરણી કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના હોલ ખાતે પ્રાંત અધિકારી અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં નવચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પૂર્વે પ્રાંત અધિકારીએ તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી પાંચ વર્ષ સુધી પાટણ શહેરના વિકાસના કામોને વેગ આપવા આશા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ એક્ટ અને ચૂંટણીના કાયદા અનુસાર મતદાન સહિતની વૈધાનિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઓબીસી મહિલાની અનામત બેઠક પર ભાજપ તરફથી ચંદ્રિકાબેન રાવળના નામની દરખાસ્ત મુકાઈ હતી, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી સમીમ બાનુ સુમરાએ દાવેદારી નોંધાવી હતી. ઉપપ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેડ પર ઉત્કર્ષ પટેલના નામની દરખાસ્ત આવી હતી, જેની સામે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અલ્કેશ પટેલે ફોર્મ ભર્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા યોજાયેલી મતદાન પ્રક્રિયામાં પ્રમુખ પદના ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળને કુલ 25 મતો મળ્યા હતા, જેમાં એક અપક્ષ ઉમેદવારનો મત પણ સામેલ હતો. અન્ય બે અપક્ષ ઉમેદવારો તટસ્થ રહ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર સમીમ બાનુ સુમરાને 17 મતો મળતા પ્રાંત અધિકારી દ્વારા ચંદ્રિકાબેન રાવળને સત્તાવાર રીતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે થયેલા મતદાનમાં ભાજપના ઉત્કર્ષ પટેલને 25 મતો અને કોંગ્રેસના અલ્કેશ પટેલને 17 મતો મળ્યા હતા. બહુમતીના આધારે ઉત્કર્ષ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી જાહેર કરવામાં આવી હતી. ભાજપના બંને ઉમેદવારો વિજેતા બનતા સભાખંડમાં હાજર સભ્યો અને સમર્થકોએ તેમને વધાવી લીધા હતા. આગામી અઢી વર્ષ માટે પાટણના પ્રથમ નાગરિક બનેલા ચંદ્રિકાબેન રાવળ ઘરકામની સાથે સામાજિક સેવાઓ સાથે પણ જોડાયેલા છે અને હવે તેઓ પાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે. પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે જણાવ્યું હતું કે તેઓ પાટણ શહેરના તમામ 11 વોર્ડને સમાંતર રાખીને, કોઈપણ જાતના ભેદભાવ વગર નગરજનોની સમસ્યાઓનો ઉકેલ લાવશે અને વિકાસના કાર્યોને આગળ ધપાવશે. આ સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે નીલમ કુમાર પટેલ, પક્ષના નેતા તરીકે મનોજભાઈ હેમચંદભાઈ ઠાકોર અને દંડક તરીકે મનીષાબેન ચેતનકુમાર પ્રજાપતિની વરણી કરાઈ છે.
Read Original Article →