પાટણની એમ.એન.હાઇસ્કૂલને મુખ્યમંત્રી તરફથી સન્માન:80 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક AI તાલીમ બદલ પ્રશસ્તિપત્ર પાઠવી સન્માનિત કરી; અન્ય શાળાઓ માટે પ્રેરણા
પાટણની ગ્રાન્ટેડ એમ.એન. પટેલ હાઇસ્કૂલને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તાલીમ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ પ્રશસ્તિપત્ર પાઠવી સન્માનિત કરી છે. આ પ્રશસ્તિપત્ર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા મોકલવામાં આવ્યું હતું. આ કામગીરીની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલ ડૉ. ધનરાજ ઠક્કરને આ સન્માન પત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 21મી સદીની ડિજિટલ ક્રાંતિ સાથે મધ્યમ અને સામાન્ય પરિવારના બાળકો કદમ મિલાવી શકે તે હેતુથી એમ.એન. હાઇસ્કૂલે નિઃશુલ્ક AI ક્લાસનું આયોજન કર્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. ધનરાજ ઠક્કરે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે પાછળ ન રહે તે માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડાયનેમિક ફાઉન્ડેશનના ઉદ્યોગપતિ બી.કે. પટેલે આર્થિક સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે શાળા પ્રત્યેના ઋણ સ્વીકાર રૂપે આ આધુનિક AI ક્લાસ માટે સંપૂર્ણ આર્થિક વ્યવસ્થા કરી હતી. દર શનિવારે સવારે 10 થી 1 દરમિયાન આ વર્ગો ચલાવવામાં આવ્યા હતા, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદના ઇન્ટરનેશનલ ટ્રેનર ચાર્મીશબેન મણિયારે માસ્ટર ટ્રેનર તરીકે વિદ્યાર્થીઓને AIનું માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ છે, જેનાથી વિદ્યાર્થીઓએ ડિજિટલ ક્ષેત્રે પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. આ વર્ગોની સફળતાને જોતા, બી.કે. પટેલે આગામી સમયમાં પણ ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ નિઃશુલ્ક AI તાલીમ વર્ગો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ પ્રકારના કૌશલ્ય વર્ધનના પ્રયોગોને અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયક ગણાવ્યા છે.
Read Original Article →