પાટણ મોલમાં બિહારી મેનેજરને ધમકી:અજાણ્યા શખશોએ "તુમ ગુજરાતી નહીં હો" કહી ઝીલીયા કાંડ યાદ કરાવી ધમકાવ્યા

Gujarat5/26/2026, 1:56:58 PM
પાટણ મોલમાં બિહારી મેનેજરને ધમકી:અજાણ્યા શખશોએ "તુમ ગુજરાતી નહીં હો" કહી ઝીલીયા કાંડ યાદ કરાવી ધમકાવ્યા
પાટણ શહેરના TREG મોલમાં બિહારના વતની સ્ટોર મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. બે અજાણ્યા શખ્સોએ ઓફિસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પ્રાંતવાદના મુદ્દે ગાળાગાળી કરી મેનેજરને ડરાવ્યા હતા. આ અંગે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૂળ બિહારના અને હાલ પાટણની દત્તનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય ગોવિદકુમાર મહેન્દ્રકુમાર ઝા TREG મોલમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ બપોરના સમયે પોતાની ઓફિસમાં હાજર હતા, ત્યારે વામૈયા ગામનો જહુભા ઠાકોર અને અન્ય એક અજાણ્યો શખ્સ કોઈ પણ પરવાનગી વગર તેમની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. આ બંને શખ્સોએ મેનેજર ગોવિદકુમારને ઉદ્દેશીને કહ્યું હતું કે, "તમે સાલા બિહારીઓ અમારા ગુજરાતમાં આવી અમારા માણસોને પગાર આપ્યા વગર નોકરીમાંથી કાઢી મૂકી ધમકીઓ આપો છો." મેનેજરે પોતે પણ ત્યાં નોકરી કરતા હોવાનું સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. આરોપીઓએ હિન્દીમાં ધમકાવતા કહ્યું કે, "તુમ ગુજરાતી નહિ હો તુમકો પતા નહિ હૈ ઝીલીયા કાંડ". વધુમાં, જો મેનેજર પાટણ બજારમાં દેખાશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા મેનેજરે ઓફિસના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. તેમની સૂચના બાદ ગોવિદકુમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ 329(2), 296(b), 351(2) અને 54 મુજબ ગુનો નોંધી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →