પાટણ મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબાનું શેખ સસ્પેન્ડ:કન્વીનર સાથે ગેરવર્તન અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી

Gujarat4/13/2026, 12:49:11 PM
પાટણ મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબાનું શેખ સસ્પેન્ડ:કન્વીનર સાથે ગેરવર્તન અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી
પાટણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબાનું અકુભાઈ શેખને પક્ષની શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ તાત્કાલિક અસરથી તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પાટણ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન પક્ષના કન્વીનર સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કરવા બદલ કરવામાં આવી છે. ઘટના 13 એપ્રિલ, 2026 ના રોજ પાટણ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન બની હતી. મુમતાજબાનું શેખે પાટણ શહેરના કન્વીનર મધુભાઈ કે. પટેલ સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું હતું, જેનાથી પક્ષની છબીને નુકસાન પહોંચ્યું હતું. પક્ષના મોવડી મંડળે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પક્ષના ઉચ્ચ હોદ્દેદારોના ધ્યાને અગાઉ પણ મુમતાજબાનું શેખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી હતી. વારંવારની આવી પ્રવૃત્તિઓ અને તાજેતરમાં કન્વીનર સાથેના ગેરવર્તનને પક્ષના સિદ્ધાંતો વિરુદ્ધ ગણવામાં આવ્યું છે. પક્ષના હિત અને ગૌરવ જાળવવા માટે આ શિસ્તભંગનો નિર્ણય લેવાયો છે. આ મામલે મુમતાજબાનું શેખે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ફોર્મ ભરતી વખતે દીપકભાઈ, મધુભાઈ અને કિરીટભાઈ સહિતના નેતાઓએ તેમને ટિકિટ અને મેન્ડેટ મળ્યાનું કહી ફોર્મ ભરવા જણાવ્યું હતું. જોકે, ફોર્મ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ રદ થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેમણે દીપકભાઈને તેમની ટિકિટ રદ થવા અંગે પૂછ્યું, ત્યારે મધુભાઈ ઉશ્કેરાઈને તેમને 'ચલ એ છાનીમાની ચાલ અહીંયાથી' તેમ કહીને બોલ્યા હતા. આથી તેમને મધુભાઈને કહેવું પડ્યું કે તેઓ દીપકભાઈ સાથે વાત કરી રહ્યા છે અને મધુભાઈએ વચ્ચે ન બોલવું જોઈએ, જેના કારણે માથાકૂટ થઈ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Read Original Article →