પાટણની ભગવતી નગર સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:યજમાન પરિવારે રાસગરબા સાથે નંદલાલાને પારણામાં ઝુલાવ્યા
પાટણ શહેરની ભગવતી નગર સોસાયટીમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરમિયાન શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના કોમન પ્લોટમાં યજમાન ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવારના યજમાન પદે અને ધીરજભાઈ શાસ્ત્રીના વ્યાસપીઠે આ કથાનું આયોજન કરાયું છે. દરરોજ રાત્રે 8 થી 11 દરમિયાન ભક્તિમય માહોલમાં કથાનું શ્રવણ થાય છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં યજમાન પરિવાર સહિત સોસાયટીના તમામ રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નારા સાથે રાસગરબાની રમઝટ જામી હતી અને સૌએ નંદલાલાને પારણામાં ઝુલાવવાનો લ્હાવો લીધો હતો. ભક્તિ સંગીતના સુરો વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થતાં સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
Read Original Article →