પાટણ જલારામ મંદિરે શનિ જયંતિની ઉજવણી:શનિ અમાસ અને કેદાર યોગ નિમિત્તે ભક્તો ઉમટ્યા

Gujarat5/16/2026, 11:01:55 AM
પાટણ જલારામ મંદિરે શનિ જયંતિની ઉજવણી:શનિ અમાસ અને કેદાર યોગ નિમિત્તે ભક્તો ઉમટ્યા
પાટણ શહેરના જલારામ મંદિરે શનિ અમાસ અને દુર્લભ કેદાર યોગના પાવન અવસરે શનિ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ વિશેષ યોગ પચાસ વર્ષ બાદ આવ્યો હોવાથી વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શનિદેવને સરસવના તેલથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન પણ કરવામાં આવ્યું હતું. જલારામ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ ઠક્કર, પૂજારી રશ્મિકાંત રાવલજી મહારાજ તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને સેવકગણની ઉપસ્થિતિમાં આ ઉત્સવની હર્ષભેર ઉજવણી થઈ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શનિદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શનિ અમાસ અને કેદાર યોગનું આધ્યાત્મિક મહત્વ વિશેષ છે. ખાસ કરીને જેમને શનિની પનોતી ચાલી રહી હોય, તેમના માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. શનિદેવની ભક્તિ અને પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓમાં રાહત મળે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. મંદિરમાં ભક્તો માટે વિશેષ દર્શન અને પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો.
Read Original Article →